Gujarati News

SIR ઝુંબેશમાં 5500 કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ ચકાસણી:પ્રથમવાર મતદાર ન મળે તો ત્રણ વખત તેના ઘરની મુલાકાત લેવાશે, શ્રમિકોના બે જગ્યાએ નામ ન રહે તે માટે ખાસ નજર

Published: November 4, 2025 • Language: English

લોકશાહીના પાયાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે સુરત જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરતમાં ખાસ જ્યારે લાખોની સંખ્યામાં પરપ્રાંતીય લોકો રહે છે ત્યારે આ ઝુંબેશ ખાસ કરીને શ્રમિક વર્ગના મતદારોના વિસ્તારમાં વધારે ધ્યાનમાં રાખવામાં આવશે, જેથી એક જ વ્યક્તિનું નામ બે જુદી-જુદી જગ્યાએ નોંધાયેલું ન હોય, અને મતદાર યાદી સંપૂર્ણપણે શુદ્ધ અને ભૂલરહિત બની શકે. 4 ડિસેમ્બર સુધી ચાલશે હાઉસ ટુ હાઉસ ચકાસણી
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી 04 ડિસેમ્બર સુધી એટલે કે એક મહિનાના સમયગાળા માટે બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા હાઉસ ટુ હાઉસ મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં કુલ 5500 અધિકારીઓ અને કર્મચારીઓ જોડાશે. 6 તબક્કામાં આ કામગીરી પૂર્ણ થયા બાદ 07 ફેબ્રુઆરી-2026ના રોજ આખરી મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે. દરેક મતદારે એન્યુમરેશન ફોર્મ ભરવું ફરજિયાત
કલેક્ટરએ જાહેર જનતાને ભારપૂર્વક અનુરોધ કર્યો છે કે, આગામી એક મહિના દરમિયાન તેમના ઘરે આવનાર BLOs પાસેથી પ્રત્યેક મતદાતા નાગરિકે એન્યુમરેશન ફોર્મ ફરજિયાતપણે ભરવું અને પરત કરવું. તેમણે સ્પષ્ટતા કરી કે, જે મતદારો આ ફોર્મ ભરીને પરત નહીં આપે, તેમના નામ આખરી મતદાર યાદીમાં સમાવેશ થઈ શકશે નહીં. લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે આ પગલું ભરવું અત્યંત જરૂરી છે. શ્રમિકોના ડબલ નામ પર ખાસ ફોકસ
આ ઝુંબેશનો એક મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીનું શુદ્ધિકરણ કરવાનો છે. ડૉ. પારધીએ જણાવ્યું કે, સઘન ચકાસણી દરમિયાન એવા તમામ મતદારોના નામ દૂર કરવામાં આવશે જેમના નામ અહીં નોંધાયેલા છે, પરંતુ તેઓ ખરેખર સુરતમાં રહેતા ન હોય. પરંતુ આ ઝુંબેશમાં સુરતના શ્રમિક વર્ગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સુરત ઔદ્યોગિક નગર હોવાથી અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રમિકો અહીં આવે છે અને વસે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે આવા શ્રમિકોનું નામ તેમના મૂળ વતન અને સુરત એમ બે જગ્યાએ નોંધાયેલું હોય છે. બે જગ્યાએ નામ ન રહે તે માટે ખાસ કરીને 2002થી 2004ના ડેટા સાથે લિંકિંગ કરવામાં આવશે. આનાથી એવા મતદારોને ઓળખી શકાશે, જેમના નામ બે જગ્યાએ છે. કલેક્ટરે ચેતવણી આપી છે કે, જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી આપશે, તો તેમની સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે. BLOs દ્વારા ત્રણ વખત મુલાકાતનો નિયમ
ઝુંબેશની સઘનતા દર્શાવતા કલેક્ટરે જણાવ્યું કે, BLOs ઘરે-ઘરે જઈને દરેક વર્તમાન મતદાર પાસેથી એન્યુમરેશન ફોર્મ ભરાવશે.જો પ્રથમવાર કોઈ મતદાર ન મળે, તો BLOs દ્વારા ત્રણ વખત તેમના ઘરની મુલાકાત લેવામાં આવશે.આ પ્રક્રિયા બાદ પણ જો કોઈનું નામ ડ્રાફ્ટ યાદીમાં ન હોય અને તે વ્યક્તિ ખરેખર ત્યાં રહેતી હોય, તો વાંધા-સૂચનનો તબક્કો પણ ઉપલબ્ધ રહેશે. છ તબક્કામાં થશે સમગ્ર કામગીરી સમગ્ર SIR ઝુંબેશ આ પ્રમાણે છ તબક્કામાં પૂર્ણ થશે – પ્રથમ : 04 નવેમ્બર – 04 ડિસેમ્બર BLOs દ્વારા હાઉસ ટુ હાઉસ- એન્યુમરેશન ફોર્મ એકત્રિત કરવા. – દ્વિતીય : 04 ડિસેમ્બર પછી ફોર્મ પરત કરનારના નામ ડ્રાફ્ટ યાદીમાં સામેલ કરવા. – તૃતીય – 09 ડિસેમ્બર-2025 – ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન. – ચોથો – 09 ડિસે. – 08 જાન્યુ. 2026, વાંધા-સૂચન અરજી, દાવો કરવાની મુદત અને નોટિસ આપવી. – પાંચમો – 09 ડિસે. – 31 જાન્યુ. 2026 ERO/AERO દ્વારા કેસોની સુનાવણી અને અંતિમ નિર્ણય. – છઠ્ઠો – 07 ફેબ્રુઆરી-2026 આખરી મતદાર યાદીનું પ્રકાશન. BLOsને પૂરતી માહિતી પૂરી પાડવા જિલ્લા કલેક્ટરની વિનંતી
આ રીતે, સુરત જિલ્લાનું વહીવટીતંત્ર પારદર્શક અને ભૂલરહિત મતદાર યાદી તૈયાર કરવા માટે કટિબદ્ધ છે. જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પારધીએ તમામ નાગરિકો, ખાસ કરીને શ્રમિક વર્ગને, આ પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ આપવા અને BLOsને પૂરતી માહિતી પૂરી પાડવા વિનંતી કરી છે, જેથી કોઈ પણ પાત્ર મતદાર પોતાના અધિકારથી વંચિત ન રહી જાય.

Read more

← Back to Home