SIR ફોર્મમાં ન સમજ પડે તો BLO કરશે મદદ :BLO હવે મતદાન મથકે ચાર દિવસ હાજર રહેશે
નવસારી જિલ્લામાં હાલમાં સર અભિયાન હેઠળ નવા મતદારો ની યાદી તૈયાર કરાવવા માટે ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.જેમાં બી.એલ.ઓ ફોર્મ ઘરે ઘરે આપી ગયા છે. જેમને ફોર્મ ભરવામાં સમજ ન પડતી હોય તેમના માટે મતદાન મથકે નિયત કરેલી તારીખે બી.એલ.ઓ હાજર રહી મદદ કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચ, દિલ્હીની સૂચનાનુસાર ગુજરાત રાજ્યમાં 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR-2026) જાહેર કરવામાં આવ્યો છે. જે મતદારોનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ-2002ની મતદારયાદીમાં ન હોય, તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે BLO દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. હાલમાં 2002 ની યાદીમાં ન હોય અને અન્ય ગામે થી અન્ય જગ્યાએ સ્થળાંતર થયા હોય તેવા ખાસ કિસ્સામાં BLO દરેક મતદારને માર્ગદર્શન આપશે. ભાસ્કર ઇનસાઈડ
કોને કોને કેવી તકલીફ પડશે
નવસારી જિલ્લામાં મોટા ભાગે આદિવાસી સમાજમાં લોકો રહેતા હોય છે ફોર્મમાં મતદાર ની વિગતો સાથે તેમના પરિવાર ની વિગત પણ આપવાની હોય છે.આવા કિસ્સામાં 2002 ની યાદી પ્રમાણે અમુક વિગત નોંધવાની હોય છે. જેમાં મોટા ભાગના લોકોને ચૂંટણી કાર્ડ પણ ખોવાઈ ગયા હોય અને લગ્ન કરીને આવેલી મહિલાઓને પણ તેમના પિયરે રહેતા માતા પિતાની ચૂંટણી કાર્ડની વિગતો ભરવાની હોય છે. જે હાલના તબક્કે આદિવાસી સમાજ અને ગરીબ પરિવાર માટે અશક્ય બાબત છે. ઉપરાંત ભાડેથી રહેતા લોકો માટે પણ અશક્ય બાબત છે. 15-16 તથા 22-23 નવેમ્બરે મતદાન મથકે મળશે
તેમાં હાલના પ્રથમ તબક્કામાં તા.15 અને 16 નવેમ્બર અને 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9થી બપોરે 1 કલાક સુધી દરેક BLO તેમના મતદાન મથકે હાજર રહેશે. જેની દરેક મતદારોએ નોંધ લેવી. ફોર્મ ભરવામાં મતદારોને મદદ કરશે.
