NFSA લાભાર્થીઓને અનાજ વિતરણ માટે આગોતરું આયોજન:રાહત દરે વિતરણ કરવામાં આવતી આવશ્યક ચીજવસ્તુઓ માટે જિલ્લામાં કુલ 63 ચલણ જનરેટ થયા
મહેસાણા જિલ્લા વહીવટીતંત્રએ રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા (NFSA) હેઠળ નોંધાયેલા લાભાર્થીઓ આવશ્યક ચીજવસ્તુઓના લાભથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા માટે નવેમ્બર-2025 માસના વિતરણ માટે આગોતરું આયોજન શરૂ કરી દીધું છે. આ અંતર્ગત, રાહત દરે વિતરણ કરવામાં આવતી આવશ્યક ચીજવસ્તુઓ (તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠું) માટે જિલ્લામાં કુલ 63 ચલણ જનરેટ થયું છે અને તેના નાણાંની ભરપાઈની પ્રક્રિયા પણ ચાલુમાં છે. તેમજ વિતરણની કામગીરી પણ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે. બાકી રહેતા વાજબી ભાવની દુકાનદારો દ્વારા પણ ચલણની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે અને વહીવટીતંત્ર દ્વારા અંત્યોદય (AAY) અને PHH (NFSA) લાભાર્થીઓ આ લાભથી વંચિત ન રહે તે બાબતે અનુરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ, વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારો દ્વારા જે પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવે છે તે બાબતે એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સમયાંતરે બેઠક યોજવામાં આવે છે. તાજેતરમાં એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલી માંગણીઓ પૈકી ઘણી નીતિ વિષયક છે અને તે રાજ્ય સરકારની સક્રિય વિચારણા હેઠળ છે. જિલ્લા કક્ષાએ કલેક્ટર મહેસાણા દ્વારા એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી તથા તાલુકા કક્ષાએ પણ તમામ તાલુકામાં એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેઓને સમજાવવામાં આવ્યા છે કે, અનાજના જથ્થાના વિતરણથી અળગા રહેવા બાબતથી રેશનકાર્ડ ધારકોને આવશ્યક ચીજવસ્તુઓના લાભથી વંચિત રાખવાનું યોગ્ય જણાતું નથી. આ ઉદ્દેશ સાથે, મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ વિતરણ સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે.
