લોહપુરુષ સરદાર વલ્લભ પટેલની ૧૫૦મી જન્મ જ્યંતી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના મંત્રને ઉજાગર કરતા ભારત પર્વ-૨૦૨૫ની ઐતિહાસિક ઉજવણીમાં તા.૧૧ નવેમ્બરને મંગળવારના રોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુ પટેલ એકતાનગરની મુલાકાત લઈ સહભાગી થયા હતા. આ અવસરે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રીઓ રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડા, મધ્યપ્રદેશના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી ધર્મેન્દ્રસિંહ લોધી અને ગુજરાતના રાજ્યમંત્રી કૌશિક વેકરિયા પણ આ મુલાકાતમાં સામેલ થયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકતાનગરની પાવન ધરતી એ ગર્વનું પ્રતિક છે એમ જણાવતા રાજ્યપાલ મંગુ પટેલે કહ્યું હતું કે, રાષ્ટ્રીય એકતાના તીર્થ ખાતે રાષ્ટ્રીય ગૌરવ સરદારને નમન કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આપણે ભારત પર્વની ઉજવણી કરવા સક્ષમ બન્યા છે તેનો આધાર સરદારे સ્થાપ્યો છે. અહીં એકતા અને અખંડિત્તાનો ઉજાસ પ્રસરે છે. ભારત પર્વનું આયોજન ભારતની એકતા, અખંડિતતા અને આત્મગૌરવની ભાવના જગાડવાનો અને સામૂહિક વિકાસયાત્રાને આગળ ધપાવવાનો ઉત્તમ પ્રયાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યો દ્વારા સંવિધાનની મૂળ ભાવના, વિવિધતામાં એકતા ને જીવંત કરી છે. વધુમાં રાજ્યપાલએ કહ્યું હતું કે, સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા નિર્માણ કરાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ગૌરવમાં વધારો કર્યો છે. ભારતની સાચી શક્તિ દેશની એકતા અને વિવિધતા છે એ સરદાર પટેલ અને ભગવાન બિરસા મુંડાનો જીવન સંદેશ છે. સાથે જ, ભગવાન બિરસા મૂંડાની ૧૫૦મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીના આયોજન બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવું છું. રાજ્યપાલએ એકતાનગર સ્થિત આરોગ્ય વનની મુલાકાત લઈ ઔષધિય વનસ્પતિઓ વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી. બાદમાં તેમણે જંગલ સફારીની પણ મુલાકાત કરી પ્રવાસીઓ સાથે સંવાદ કર્યો હતો. રાજ્યપાલએ લોહપુરુષ સરદાર વલ્લભ પટેલની અતિભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત દરમિયાન સરદાર પટેલના જીવનકવનને જાણવા ફોટો પ્રદર્શની તેમજ શોર્ટ ફિલ્મ નિહાળી હતી. તેમણે વ્યુઇંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર ડેમ અને આસપાસના કુદરતી નજારાનો આનંદ પણ માણ્યો હતો. સાથે સાથે પ્રતિમાના આંતરિક બાંધકામની પણ માહિતી મેળવી હતી. તમામ મહાનુભાવોએ ભારત દર્શન પેવેલિયનની મુલાકાત લઈ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પર્યટન સ્થળો, કલા, હસ્તકળા અને સંસ્કૃતિ દર્શન પ્રદર્શનોનો અને સ્ટોલની મુલાકાત કરી માહિતી મેળવી હતી. ફુડ સ્ટોલ્સ અને લાઇવ કિચન સ્ટુડિયોની મુલાકાત કરી વિવિધ પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. ત્યારબાદ રાજ્યપાલએ ભારત પર્વ 2025ના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિતિ આપી હતી. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશ, મણિપુર અને નાગાલેન્ડ સહિત અન્ય રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિને ઉત્સાહભેર નિહાળી હતી.રાજ્યપાલની મુલાકાત દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન મુકેશપુરી સહિત વિવિધ રાજ્યોના વરિષ્ઠ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય કેફેના મહિલા કર્મીના આરોગ્યની જાણકારી મેળવી મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુ પટેલે આરોગ્ય વનની મુલાકાત કરી વિવિધ આરોગ્યલક્ષી ઔષધિઓ વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ દરમિયાન આદિવાસી મહિલા સખી મંડળ દ્વારા સંચાલિત આરોગ્ય કેફેની મુલાકાત કરી કાર્યપ્રણાલી અને આવક અંગેની માહિતી મેળવી હતી. તે દરમિયાન કેફેની યુવા કર્મચારીને તેમના આરોગ્ય અને સિકલસેલ એનિમિયા વિષે જાણકારી મેળવી યોગ્ય દાક્તરી તપાસ કરાવી સારવાર લેવા જણાવ્યું હતું.