Gujarati News

Gujarat Weather News: 25 થી 27 ઓક્ટોબર સુધી વરસાદને લઈ યેલો અલર્ટ, દરિયા કિનારે સિગ્નલ જાહેર કરાયું

Published: October 24, 2025 • Language: English

ગુજરાતમાં વરસાદની વિદાય બાદ પણ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં 25 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયુ છે. આજે સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય

હવામાન વિભાગના ડાયરેક્ટર એમ.કે. દાસ દ્વારા જણાવાયું હતું કે, પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે. જેના કારણે રાજ્યમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. આગામી 25થી 27 ઓક્ટોબર વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી સાત દિવસ હળવા વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે LCS3 સિગ્નલ જાહેર કરાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે DC1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે.

આજે સૌરાષ્ટ્રમાં વરસાદની આવવાની શક્યતા

આજે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટા છવાયા હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 25 ઓક્ટોબરે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત 25 ઓક્ટોબરે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને કચ્છમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.

Read more

← Back to Home