GSLSAને ચાઇલ્ડ રાઇટને લગતા રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ:અરજદારે કહ્યું- ચાઇલ્ડ રાઇટ પોલિસીને લગતા સુપ્રીમના નિર્દેશો પાળવામાં રાજ્યનો પૂરતો પ્રયત્ન નહીં, કમિશનને સોશિયલ ઓડિટનો આદેશ
ગુજરાત હાઇકોર્ટમાં ‘બચપન બચાઓ’ આંદોલન સંસ્થાએ જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં સંસ્થા દ્વારા બાળકોના હકકને લઈને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું અમલીકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. જેને પગલે રાજ્યમાં ચાઇલ્ડ રાઈટ કમિશનની રચના કરવામાં આવી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને કમિશન દ્વારા કરવાની સોશિયલ ઓડિટની પોલિસી નક્કી કરવા માટે તેમજ ઓડિટનો રિપોર્ટ આપવા માટે હુકમ કર્યો હતો. 12 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી યોજાશે
રાજ્યમાં જુદી-જુદી સંસ્થાઓ ચાઇલ્ડ રાઇટ અંગે કામ કરે છે. હાઇકોર્ટે અરજદારે રજૂ કરેલા તમામ મુદ્દાઓ ઉપર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને કેસનો રેકોર્ડ આપીને રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ આપ્યા છે. આ સાથે જ અરજદારે કહ્યું હતું કે, ચાઇલ્ડ રાઇટ અંગે સુપ્રીમના નિર્દેશોના પાલન રાજ્યનો પૂરતો પ્રયત્ન નહીં હોવાથી કોર્ટના હસ્તક્ષેપની જરૂર છે. આ મુદ્દે NALSA અને GSLSAનો મહત્વનો રોલ છે. રાજ્યનું ચાઈલ્ડ રાઇટ કમિશન સોશિયલ ઓડિટ તૈયાર કરે જેમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ, એડોપ્શન એજન્સી, બાળ સંરક્ષણ ગૃહ વગેરેનું સોશિયલ ઓડિટ કરવામાં આવે. આ અંગે વધુ સુનાવણી 12 ડિસેમ્બરના રોજ યોજાશે. સોશિયલ ઓડિટની પોલિસી બનાવી પણ ઓડિટ કરવાનું બાકી
અગાઉની સુનાવણીમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના કેસમાં અપાયેલા નિર્દેશ મુજબ સોશિયલ ઓડિટની પોલિસી બનાવી છે, પરંતુ સોશિયલ ઓડિટ કરવાનું બાકી છે. જેથી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કે, બાળ સંરક્ષણ આયોગની રચના પણ ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ થઈ છે. વળી પાછલા કેટલાક સમયથી સોશિયલ ઓડિટ પણ થયું નથી. બાળ સંરક્ષણ આયોગની રચના બાદ તેની પહેલી જવાબદારી સોશિયલ ઓડિટની છે, જે બાળ સંરક્ષણ સાથે સંકળાયેલ સંસ્થાની કામગીરીનું મૂલ્યાંકન કરે છે. હવે આયોગ કહે છે કે, તે એક વર્ષ બાદ સોશિયલ ઓડિટ કરશે! સતત મોનીટરિંગથી ભૂલો સુધરે છે
સરકારે આયોગનો 20 ઓક્ટોબરથી 31 જાન્યુઆરી, 2025 સુધીનો ક્વાર્ટરલી રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂક્યો હતો. જોકે, હાઇકોર્ટે કહ્યું હતું કે ચાઇલ્ડ કેર સંસ્થા બરોબર કામ કરે છે કે નહીં તે જોવાનું કામ કમિશનનું છે, પણ તે વિશે કોઈ બાબત જણાવાઈ નથી. સોશિયલ ઓડિટનું ફોર્મેટ 18 માર્ચ, 2025ના રોજ મંજૂર થયું હતું. ત્યારબાદ પણ સોશિયલ ઓડિટ કરાયું નથી. કમિશન દ્વારા ચાઇલ્ડ વેલ્ફેર કમિટી, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ, ચિલ્ડ્રન હોમ, એડોપ્શન એજન્સી, શેલ્ટર હોમ, ઓબ્ઝર્વેશન હોમ વગેરેનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. સૌથી પહેલા સોશિયલ ઓડિટ કરવું પડે, સતત મોનીટરિંગથી ભૂલો સુધરે છે. સુપ્રીમ કોર્ટના બાળકોને લઈને અપાયેલા નિર્દેશોનું પાલન થતું નથી
આ અરજીમાં અરજદારનો દાવો હતો કે, ગુજરાત રાજ્યમાં સુપ્રીમ કોર્ટના બાળકોને લઈને અપાયેલા નિર્દેશોનું પાલન થતું નથી. 18 જાન્યુઆરી, 2024ના રોજ ચીફ જજની બેંચ સમક્ષ સુનાવણી દરમિયાન મુખ્ય બાબતોના અમલીકરણ સંદર્ભે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. હાઇકોર્ટે પોતાના આદેશમાં તે મુદ્દાઓ નોંધ્યા હતા. જેમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015, પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ એક્ટ 2005, પોક્સો એકટની જોગવાઈઓનું અમલીકરણ જેવી બાબતોનો સમાવેશ થાય છે. કોર્ટના ધ્યાને મૂકવામાં આવ્યું હતું કે, અગાઉ રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન રિટાયર્ડ થયા હતા. ત્યારબાદ નવી નિમણૂક થઈ નથી કે આયોગ અસ્તિત્વમાં નથી. સોશિયલ ઓડિટ સતત ચાલતી પ્રક્રિયા છે, તે માત્ર વર્ષના અંતે થતી નથી
ત્યારબાદની સુનાવણીમાં એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, કમિશનની રચના કરી દેવામાં આવી છે. એક ચેરમેન અને 6 સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. ચેરમેન ત્રણ વર્ષ સુધી હોદ્દો ધરાવશે. આ અરજીમાં વર્તમાનમાં ચાઈલ્ડ પ્રોટેક્શન પોલિસી, બાળકોની પરિસ્થિતિનું સોશિયલ ઓડિટ તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલના ચાઇલ્ડ રાઇટ કમિશન ઉપર ચર્ચા ચાલી રહી છે. છેલ્લે ચાઈલ્ડ પ્રોટેક્શન પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો હતો અને તેનું એપ્રુવલ બાકી હતું. અરજદારે જણાવ્યું હતુ કે, ચાઇલ્ડ રાઇટ કમિશન સોશિયલ ઓડિટ પણ કરવાનું હોય છે. કમિશનનું કામ બાળકોના હક્કો મુદ્દે કામ કરવાનું છે. કમિશન રાજ્યમાં બાળકોને લગતા કાયદાઓના અમલીકરણ અને ચાઈલ્ડ પ્રોટેક્શન ઇન્સ્ટિટ્યૂટ પર દેખરેખ રાખે છે. દર 12 મહિને સામાન્ય રીતે સોશિયલ ઓડિટ કરવામાં આવે છે, સોશિયલ ઓડિટ સતત ચાલતી પ્રક્રિયા છે, તે માત્ર વર્ષના અંતે થતી નથી. ફક્ત દર્શાવવા માટે નહી પણ બાળકોની ભલાઈ માટે કામ થવું જોઈએ
કોર્ટે કહ્યું હતું કે, કમિશન ફક્ત પેપર ઉપર નહિ, ગ્રાઉન્ડ ઉપર કામ કરતું હોવું જોઈએ. જુવેનાઇલ જસ્ટિસ એકટના અમલીકરણ માટે સોશિયલ ઓડિટ બહુ જરૂરી છે. જેનો રીપોર્ટ નેશનલ ચાઈલ્ડ રાઇટ કમિશન અને રાજ્ય સરકારને આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કમિશનની કામગીરી જુએ છે. ગુજરાતમાં જુવેનાઈલ જસ્ટિસ એન્ડ ચાઈલ્ડ પ્રોટેક્શન રુલ્સ 2016માં બન્યા છે. દરેક રાજ્યની જવાબદારી બાળકો પ્રત્યે જવાબદારી હોય છે. સોશિયલ ઓડિટ અંતર્ગત અનાથલાયની પણ તપાસ કરવામાં આવે છે. અરજદારે જણાવ્યું હતું કે, વર્તમાન કમિશનની રચના પહેલા ફાઈલ થયેલ સોશિયલ ઓડિટ રિપોર્ટ મિકેનિકલ રીતે ફાઈલ થયો હતો. હાઇકોર્ટે નોધ્યું હતું કે, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને પોકસો કોર્ટના જજીસને ટ્રેનિંગ આપવામાં આવે છે. એવી જ રીતે ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસરને પણ ટ્રેનિંગ આપવી જોઈએ. ફક્ત દર્શાવવા ખાતર નહિ પણ બાળકોના ભલા માટે કામ થવું જોઈએ. ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની તમામ જગ્યાઓ વહેલી તકે ભરાવી જોઈએ
વળી રાજ્યમાં અને દરેક જિલ્લામાં ચાઈલ્ડ પ્રોટેક્શન કમિટી હોવી જોઈએ. જેથી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 ની જોગવાઈઓની અમલવારી કરી શકાય, બાળ સંરક્ષણ વિભાગમાં બાળકોની સ્થિતિનો તાગ મળી શકે. ગુજરાતમાં 462 જગ્યાઓમાંથી ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ અંતર્ગત 107 જગ્યાઓ ખાલી છે, આ જગ્યાઓ સમયસર ભરાવી જોઈએ. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની તમામ જગ્યાઓ વહેલી તકે ભરાવી જોઈએ. ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશનની પણ ખૂબ જરૂર છે. આ તમામનું રજીસ્ટ્રેશન પણ થવું જોઈએ. RTI માં માગેલી માહિતી મુજબ ગુજરાતમાં 123 ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશન છે. જેમાંથી 03નું રજીસ્ટ્રેશન પ્રોસેસમાં છે. ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશનમાં 141 જગ્યાઓ ખાલી છે. વળી અનાથાલયોમાં બાળકોનું શોષણ ના થાય તે માટે સોશિયલ ઓડીટની જરૂર છે. ગુજરાત રાજ્યમાં ચાઈલ્ડ પ્રોટેકશન સોસાયટીનું સોશિયલ ઓડિટ થતું નથી. ગુજરાત સરકારે બાળકો સામેના ગુનાઓ સામે ઝીરો ટોલરન્સ પોલિસી બનાવવી જોઈએ.
