Editor's View: થરૂરનો નવો ઘા:બિહાર ચૂંટણી પહેલાં પરિવારવાદનો મધપૂડો છંછેડ્યો; કૉંગ્રેસે ભવાં ચડાવ્યાં, ભાજપે ગણાવ્યા ખતરોં કે ખિલાડી
બધાને યાદ હશે. ઓપરેશન સિંદૂર વિશે દુનિયાભરમાં માહિતી પહોંચાડવા માટે 7 ડેલિગેશન બનાવાયાં હતાં અને 7 સાંસદને તેના લીડર બનાવાયા હતા. એમાંથી અમેરિકાના ડેલિગેશનના લીડર તરીકે ભાજપ સરકારે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની પસંદગી કરી હતી. 2025ના વર્ષમાં જ મોદી અને તેની સરકારના 7 વખત વખાણ કરી ચૂક્યા છે. હવે શશિ થરૂરે એક લેખમાં પરિવારવાદનો મધપૂડો છંછેડ્યો છે ને પોલિટિકલ મધમાખીઓ બણબણવા લાગી છે. નમસ્કાર, 2025નું વર્ષ શરૂ થયું ને કોંગ્રેસના તિરૂવનંતપુરમના સાંસદ શશિ થરૂર ભાજપના, ખાસ કરીને મોદી સરકારના વખાણ કરવા લાગ્યા. ફેબ્રુઆરીમાં પહેલીવાર વખાણ કર્યા ત્યારથી આ સીલસીલો ચાલ્યો. ભાજપને થયું કે થરૂર કોંગ્રેસથી અસંતુષ્ટ છે. તેનો લાભ લેવો જોઈએ. જ્યારે સાંસદોના સાત ડેલિગેશનને ઓપરેશન સિંદૂરની માહિતી આપવા વિદેશ મોકલાયા ત્યારે અમેરિકાના ડેલિગેશનના લીડર હતા શશિ થરૂર. તેને એમ થઈ ગયું કે કોંગ્રેસ ભલે સાઈડ લાઈન કરે, મોદી સરકાર મને આગળ કરે છે. શશિ થરૂરે લેખમાં શું લખ્યું? કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ભારતમાં વંશવાદી રાજનીતિની ટીકા કરી છે. ‘પ્રોજેક્ટ સિન્ડિકેટ’ નામના આંતરરાષ્ટ્રીય પ્રકાશનમાં લખેલા લેખમાં થરૂરે જણાવ્યું હતું કે, ભારતમાં રાજનીતિ ફેમિલી બિઝનેસ બની ગઈ છે. જ્યાં સુધી રાજનીતિ પરિવારોની આસપાસ ઘૂમે છે, ત્યાં સુધી લોકશાહી સરકારનો સાચો અર્થ સાકાર થશે નહીં. આ સમય છે, જ્યારે ભારતે વંશવાદ છોડીને યોગ્યતા આઘારિત વ્યવસ્થા અપનાવવી જોઈએ. આ માટે કાયદાકીય રીતે નક્કી કાર્યકાળ, પાર્ટીની આંતરિક ચૂંટણીઓ અને મતદાતા જાગૃતિ જેવા મૂળભૂત સુધારાઓની જરૂર છે. થરૂરે લખેલા લેખનું શિર્ષક હતું – ‘ઈન્ડિયન પોલિટિક્સ આર અ ફેમિલી બિઝનેસ’. થરૂરે દેશભરના ઘણા રાજકીય પરિવારોના ઉદાહરણ આપ્યા થરૂરે પોતાના લેખમાં નેહરુ-ગાંધી પરિવારને ભારતના સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવાર તરીકે વર્ણવ્યો છે. તેમણે લખ્યું હતું કે પરિવારનો વારસો સ્વતંત્રતા ચળવળ સાથે જોડાયેલો છે, પરંતુ આનાથી એવી ધારણા પણ વધી છે કે રાજનીતિ કેટલાક પરિવારોનો જન્મસિદ્ધ અધિકાર છે. થરૂરે લખ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં અબ્દુલ્લા અને મુફ્તી પરિવારો પણ પેઢીઓથી સત્તા પર રહ્યા છે. ઓડિશામાં નવીન પટનાયક, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે, ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ, બિહારમાં રામવિલાસ પાસવાન અને ચિરાગ પાસવાન, પંજાબમાં પ્રકાશ સિંહ અને સુખબીર બાદલ, તેલંગાણામાં કેસીઆરના પુત્ર અને પુત્રી વચ્ચે ઉત્તરાધિકારની લડાઈ અને તમિલનાડુમાં કરુણાનિધિ અને તેમના પુત્ર એમકે સ્ટાલિનના પરિવારોનો ઉલ્લેખ કર્યો. ભાજપે કહ્યું, કોંગ્રેસ અને રાહુલ પ્રત્યે અસંતોષ ભાજપે આને રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતૃત્વ પ્રત્યે અસંતોષનો સંકેત ગણાવ્યો છે. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે થરૂરની ટિપ્પણી કોંગ્રેસના ભવિષ્ય અંગેની તેમની “નિરાશા” દર્શાવે છે. ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું, થરૂરે સમજી વિચારીને લેખ લખ્યો છે. થરૂરે સાચું લખ્યું છે કે ગાંધી પરિવારે ભારતીય રાજનીતિને પારિવારિક વ્યવસાય બનાવી દીધી છે. થરૂર હવે ખતરોં કે ખિલાડી બની ગયા છે. થરૂરે પોતાની જ પાર્ટીના ‘નેપો કિડ’ રાહુલ ગાંધી પર સીધો હુમલો કર્યો છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું કે થરૂરે લેખમાં તેના અનુભવના આધારે સાચું લખ્યું છે અને આનાથી કોંગ્રેસ, સપા અને રાજદ જેવી પાર્ટીઓને ઝટકો લાગશે, જેની રાજનીતિ માત્ર પરિવાર સુધી સિમિત છે. કોંગ્રેસે કહ્યું, પરિવારવાદ માત્ર પોલિટિક્સ પૂરતો સિમિત નથી કોંગ્રેસના નેતા ઉદિત રાજે કહ્યું કે પરિવારવાદ માત્ર પોલિટિક્સ પૂરતો સિમિત નથી. ડોક્ટર, ઉદ્યોગપતિઓ અને અભિનેતાઓ પણ તેમના પરિવારના માર્ગે ચાલે છે. સમસ્યા એ છે અવસર કેટલાક પરિવારો સુધી જ સિમિત રહી જાય છે. જેના કારણે બીજા લોકોને તક મળતી નથી. કોંગ્રેસના નેતા રશીદ અલ્વીએ પણ કહ્યું કે દરેક ફિલ્ડમાં પરિવારવાદ હોય છે. કોઈને પણ ફક્ત એટલા માટે ચૂંટણી લડતા રોકી શકાય નહિ કારણ કે તેમના પિતા સંસદ સભ્ય હતા. લોકશાહીમાં બધાને છૂટ છે. 7 વાર મોદી સરકારના વખાણ કરી ચૂક્યા છે થરૂર કોંગ્રેસના સાંસદ શશિ થરૂર વારંવાર તેમના નિવેદનો માટે હેડલાઇન્સમાં રહ્યા છે. પોતાની પાર્ટી લાઈનથી અલગ નિવેદન આપીને થરૂરે કોંગ્રેસ સામે શિંગડા ભરાવ્યાં છે પણ કોંગ્રેસે હજી સુધી થરૂર સામે પગલાં લીધાં નથી કે અલ્ટિમેટમ પણ આપ્યું નથી. કોંગ્રેસના નેતાએ કહેલું કે, મોદી થરૂરને ‘સુપર પ્રવક્તા’ બનાવી શકે છે મે, 2025માં પનામામાં શશિ થરૂરે ઉરી સર્જીકલ સ્ટ્રાઈકના વખાણ કર્યા ત્યારે કોંગ્રેસના કેટલાક નેતા નારાજ થઈ ગયા. કોંગ્રેસ નેતા ઉદિત રાજે તો ત્યાં સુધી કહી દીધું કે, મોદી ઈચ્છે તો શશિ થરૂરને પોતાના ‘સુપર પ્રવક્તા’ જાહેર કરી શકે છે. થરૂર કોંગ્રેસ હાઈકમાન્ડને મેસેજ આપવા માગે છે કે તમે ભલે મને સાઈડ લાઈન કરો પણ મોદી સરકાર મને આગળ કરે છે. ભાજપ જાણી ગયો છે કે થરૂર કોંગ્રેસથી અકળાઈ ગયા છે એટલે તેનો લાભ લે છે. અમેરિકાના ડેલિગેશન માટે કોંગ્રેસે થરૂરનું નામ જ નહોતું આપ્યું થયું’તું એવું કે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ દરેક વિપક્ષને ફોન કરીને કહ્યું કે ભારતના ઓપરેશન સિંદૂરની વાત દુનિયા સમક્ષ મૂકવા કેન્દ્ર સરકાર સાંસદોને વિદેશ મોકલશે. તમે તમારા કયા સાંસદને મોકલવા માગો છો, તેમનાં નામ મોકલો. કોંગ્રેસે ચાર નામ મોકલી દીધાં. આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, સૈયદ નસીર હુસૈન અને રાજા બરાર. કોંગ્રેસે શશિ થરૂરનું નામ મોકલ્યું નહોતું. હકીકતમાં કોંગ્રેસે શશિ થરૂરનું નામ એટલા માટે મોકલવાની જરૂર હતી, કારણ કે થરૂર ઓક્સફર્ડમાંથી ભણેલા છે. યુનાઈટેડ નેશન્સમાં લાંબો સમય કામ કર્યું છે એટલે દુનિયાના દેશો તેમને ઓળખે છે. તેઓ જે વાત વિશ્વ સમક્ષ મૂકે છે એની નોંધ લેવાય છે. આ બધું જાણવા છતાં કોંગ્રેસે તેમનું નામ સજેસ્ટ કર્યું નહીં, પણ મોદી સરકારે ગૂગલી ફેંકી. કોંગ્રેસે જે ચાર નામ મોકલ્યાં હતાં એમાંથી કોઈને ન લીધા ને પોતાની રીતે શશિ થરૂરને લઈ લીધા. આમાં એક નિર્ણયથી બે મેસેજ ગયા. એક, કોંગ્રેસનું નાક કાપી લીધું. ભાજપે જ સાબિત કરી આપ્યું કે કોંગ્રેસ જ થરૂરની કદર કરતી નથી. બીજું, આનાથી સાબિત થઈ ગયું કે થરૂર અને ભાજપ નિકટ આવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંને થરૂરના નામે રાજનીતિ કરી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસ જાણે છે કે શશિ થરૂર સામાન્ય માણસ નથી. બહુ મોટા ગજાના આવડતવાળા નેતા છે. 1978થી 2007 સુધી થરૂરે યુનાઈટેડ નેશન્સમાં મોટાં મોટાં પદ પર કામ કર્યું છે. થરૂરની ફાંકડી અંગ્રેજી ભાષા એવી છે કે એ ચાર લાઈન બોલે તોય ભલભલાએ ડિક્શનરી ખોલવી પડે. થરૂર કૂટનીતિમાં માહેર છે. સામેવાળાને વાત ગળે ઉતારી દેવામાં માસ્ટર છે. છતાં કોંગ્રેસ તેને આગળ કરતી નથી. 2022માં કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણી થઈ રહી હતી. મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી લડ્યા હતા. થરૂર પણ લડ્યા હતા. ગાંધી પરિવારે ખડગે પર પસંદગીનો કળશ ઢોળ્યો. શશિ થરૂર ત્યારથી જ સાઈડ લાઈન થવા લાગ્યા. મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા ગયા હતા ત્યારે F-35 ફાઇટર પ્લેનની ડિલ કરવા વાત હતી. કોંગ્રેસે મોદી પર પસ્તાળ પાડી હતી પણ થરૂરે આ ડિલના વખાણ કર્યા હતા. શશિ થરૂરે 26 ફેબ્રુઆરી 2025માં મલયાલમ પોડકાસ્ટમાં ઈન્ટરવ્યૂ આપ્યો હતો. એમાં તેમણે બે બાજુ ઢોલકી વગાડીને વાત કરી હતી. પોડકાસ્ટમાં થરૂરે વાત કરી હતી કે, હું ભાજપમાં જોડાવાનો નથી. દરેક પક્ષની પોતાની માન્યતાઓ અને ઇતિહાસ હોય છે. જો તમે બીજા પક્ષની માન્યતાઓને સ્વીકારી શકતા નથી, તો તેમની સાથે જોડાવું યોગ્ય નથી. જો પાર્ટીને (કોંગ્રેસને) મારી સેવાઓની જરૂર ન હોય તો મારી પાસે ઘણા ઓપ્શન્સ છે. શશિ થરૂર વિશે આટલું જાણી લો… છેલ્લે, શશિ થરૂરે રજત શર્માના શો- આપ કી અદાલતમાં એક કિસ્સો કહેલો. એક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા. ત્યારે મેં સોશિયલ મીડિયામાં એક શબ્દ લખ્યો. – Snollygoster (સ્નોલીગોસ્ટર). આ શબ્દની વ્યાખ્યા થાય છે – a Shrewd Unprincipled Politician. એટલે કે એક ચાલાક અને સિદ્ધાંત વગરના રાજકારણી. હવે જો શશિ થરૂર આજે નહિ તો કાલે, ભાજપમાં જોડાઈ જશે તો કોંગ્રેસમાંથી જ કોઈ આ શબ્દનો ઉપયોગ થરૂર માટે કરશે એ નક્કી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચઃ યશપાલ બક્ષી)
