Gujarati News

Editor's View: પાકિસ્તાનમાં તખતા પલટનું નવું મોડલ:મુનીરને શહેનશાહ બનાવવા શાહબાઝના હવાતિયાં, સંવિધાનમાં ફેરફાર કરાવવા ખેલ પાડ્યો

Published: November 10, 2025 • Language: English

પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ ટૂંક સમયમાં સંવિધાનમાં 27મા સંશોધનનો પ્રસ્તાવ મૂકવાના છે. આ સંવિધાનના આર્ટીકલ 243માં એમેડમેન્ટ કરાશે, સંશોધન કરાશે. શરીફે ગઠબંધનમાં સામેલ બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) પાસેથી સમર્થન માગ્યું છે. આ સંવિધાન સંશોધનમાં ત્રણ મહત્વના મુદ્દા છે. આ ત્રણેય મુદ્દાની સીધી અસર ફિલ્ડ માર્શલ આસીમ મુનીરને થવાની છે. સંવિધાનમાં સંશોધન પછી સત્તાવાર રીતે મુનીર પાકિસ્તાનના સર્વેસર્વા બની જશે. મુનીર પાસે ‘અસીમ’ શક્તિ આવી જશે. નમસ્કાર, ઝિયા-ઉલ-હક હોય કે પરવેઝ મુશર્રફ. જ્યારે જ્યારે સત્તાની વાત આવી ત્યારે તેમણે સંશોધનમાં ફેરફાર કરીને પોતાની ખુરશી બચાવી લીધી. પણ એ વખતે તખતા પલટ માટે બળપ્રયોગ થતો હતો. આ વખતે મુનીરને જ સર્વેસર્વા બનાવી દેવા શાહબાઝ શરીફ સરકારે સંવિધાન સંશોધનમાં ફેરફારનો નવો રસ્તો બનાવ્યો છે. સંવિધાન સંશોધનમાં 3 મહત્વના મુદ્દા પાકિસ્તાન સરકાર 27મું સંવિધાન સંશોધન લાવવાની તૈયારીમાં છે. આનો મુસદ્દો સેનેટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને એ પછી સેનેટે આને સ્ટેન્ડિંગ કમિટિને મોકલી દીધો છે. નવા સંવિધાન સંશોધનમાં જે મહત્વના મુદ્દા પર વાત ચાલી રહી છે તેમાં 3 મુદ્દા મહત્વના છે. 1. ફિલ્ડ માર્શલનું પદ કાયદેસર બની જશે ફિલ્ડ માર્શલનું પદ સંવૈધાનિક બની જશે. અત્યાર સુધી ફિલ્ડ માર્શલનું પદ માત્ર માન માટે હતું, ઔપચારિક હતું. બધા જાણે છે તેમ પાકિસ્તાનમાં સરકાર માત્ર ચહેરો હોય છે પણ તેને સેના જ ચલાવતી આવી છે. આર્મી ચીફ તરીકે આસીમ મુનીરનો કાર્યકાળ 28 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. જો ફિલ્ડ માર્શલનું પદ કાયદેસર બની જાય છે, સંવિધાનમાં આવી જાય છે તો મુનીર 2030 સુધી આ પદ પર રહેશે. એટલે આર્મી ચીફ તરીકે નિવૃત્ત થયા પછી પણ તે સેનામાં ફિલ્ડ માર્શલ તરીકે સૌથી ઊંચા પદ પર રહેશે. 2.નેશનલ ફાયનાન્સ કમિશનમાં ફેરફાર પાકિસ્તાનમાં ટેક્સના રૂપિયા બે ભાગમાં વહેંચાય છે. એક ભાગ કેન્દ્ર સરકાર પાસે જાય છે અને બીજો ભાગ રાજ્યોને મળે છે. 18મા સંશોધનમાં લખેલું હતું કે રાજ્યોને આપવામાં આવતા ટેક્સના ભાગમાં કોઈ ઘટાડો કરવામાં નહિ આવે. હવે જે નવું સંશોધન છે તેમાં રાજ્યોને આપવામાં આવતા રૂપિયા ઘટાડવાની વાત છે. આનાથી રાજ્યોની તાકાત ઘટશે અને કેન્દ્રની આર્થિક સ્થિતિ સારી થશે. આનું સૌથી મોટું કારણ એ છે કે રાજ્યોમાં સ્થાનિક સરકારો ચૂંટાય છે એ એટલા માટે ચૂંટાય છે કે લોકોને એમ છે કે રાજ્યોને પૈસા સારા મળે છે એટલે આપણાં કામ થશે. આના કારણે ચોક્કસ પાર્ટીઓનો જ સ્થાનિક લેવલે દબદબો રહે છે. સેના પણ રાજ્યોના દબાવમાં રહેતી હતી. એટલે આ સંશોધન પણ આડકતરી રીતે સેનાના હિતમાં જ કરવામાં આવી રહ્યું છે. 3. કોન્સ્ટિટ્યૂશનલ કોર્ટ પાકિસ્તાની સરકાર સંવૈધાનિક કોર્ટ બનાવવા માગે છે. સરકારનો હેતુ એવો છે કે સુપ્રીમ કોર્ટને એક સામાન્ય કોર્ટ બનાવી દેવાય અને સંવિધાનવાળા કેસ નવી કોર્ટમાં જ ચાલે. એટલે પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટનું મહત્વ મટી જશે. નવી કોર્ટમાં એ જ જજ હશે જે સરકારની નજીક હશે. એટલે આ કોર્ટ પણ સરકાર જ ચલાવશે અને પાકિસ્તાનમાં સરકાર એટલે આસીમ મુનીર. સંવિધાનમાં કલમ 243માં ફેરફાર પર સૌની નજર પાકિસ્તાનના સંવિધાનમાં કલમ 243 સૌથી અગત્યની કલમ છે. કારણ કે આ કલમ પાકિસ્તાની આર્મી અને તેના અધિકારો સાથે જોડાયેલી છે. આર્મીને લગતી કલમ 243માં ફેરફારની વાત છે. અત્યારે એવી જોગવાઈ છે કે રાષ્ટ્રપતિ જ આર્મીના સર્વોચ્ચ કમાન્ડર છે. તે વડાપ્રધાન સાથે વાતચીત કરીને સેનાના પ્રમુખોની નિમણૂક કરે છે અને તેના પગાર નક્કી કરે છે. 1973 પછી અસીમ મુનીર ફિલ્ડમાર્શલ બન્યા છે અને હવે તેમને સંવૈધાનિક સુરક્ષા આપવી જરૂરી છે એટલે ફિલ્ડમાર્શલના પદનો પણ સંવિધાનમાં સમાવેશ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. પાકિસ્તાનના કાયદાના નિષ્ણાત ફૈઝલ સિદ્દીકીએ એક લેખમાં લખ્યું છે કે કલમ 243માં સેનાના ચીફને જ સત્તાવાર પદ ગણાવાયું છે. ફિલ્ડ માર્શલ તો માનદ પદ છે એટલે અત્યારે ફિલ્ડ માર્શલ સંવિધાનમાં નથી. બિલાવલ ભુટ્ટોએ 3માંથી 2 મુદ્દાને સમર્થન આપ્યું શાહબાઝ શરીફ જ્યારે સંવિધાન સંશોધનમાં ફેરફારનો પ્રસ્તાવ લાવ્યા અને તેમણે બિલાવલ ભુટ્ટો ઝરદારી પાસે સમર્થન માગ્યું ત્યારે તેમણે 3માંથી 2 મુદ્દાને સમર્થન આપ્યું. પાકિસ્તાની પીપલ્સ પાર્ટી એટલે PPPના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પાકિસ્તાનમાં પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં તેમણે કહ્યું કે 27મા સંવિધાન સંશોધનના 3 મહત્વના મુદ્દા છે અને ત્રણેયમાથી બેમાં મારી પાર્ટીના નેતાઓ સહમત છે. આર્મીની કલમ 243 માટે PPP સમર્થન કરે છે અને તેના પક્ષમાં વોટ કરશે. જ્યાં સુધી સંવૈધાનિક અદાલત (કોન્સ્ટીટ્યુશનલ કોર્ટ)ની વાત છે ત્યાં સુધી આ તો મારી પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં જ ઉલ્લેખ હતો એટલે તેમાં પણ અમારું સમર્થન છે. પણ પ્રોવિન્સ એટલે રાજ્યોને જે ટેક્સની રકમ મળે છે અને તેમાં ઘટાડો કરવાની વાત છે તે મુદ્દાને મારું સમર્થન નથી. આ બાબતે અમે શરીફ સાથે ચર્ચા કરીને નિર્ણય લેશું. બિલાવલ ભુટ્ટોએ ત્રીજો મુદ્દો કેમ ફગાવી દીધો? પાકિસ્તાનમાં ટેક્સની તગડી રકમ રાજ્યો એટલે કે પ્રાંતની સરકારો પાસે ચાલી જાય છે. ત્યાં રાજ્યોની તિજોરી છકલાય છે પણ રાજ્યોમાં સત્તા મેળવનારી પાર્ટીઓ મલાઈ ખાઈ જાય છે. લોકોને કશું મળતું નથી. જેમ કે બલુચિસ્તાન, સિંધ પ્રાંત કે પંજાબ પ્રાંતમાં વર્ષોથી ત્રીજો મારચો જ ચૂંટાતો આવ્યો છે. સિંધ પ્રાંતમાં બિલાવલ ભુટ્ટોની સરકાર છે. કારણ કે ચૂંટણી વખતે રાજ્યો પ્રજાને પૈસા આપીને વોટ ખરીદી લે છે. આ બધા વચ્ચે જે-તે રાજ્યોમાં કોઈ નવી સરકાર બની શકતી નથી. કેન્દ્રની તિજોરીમાં આવક ઓછી થાય છે ને ખર્ચનો માર વધારે છે. શાહબાઝ સરકારે નવા સંવિધાન સંશોધનમાં એવો પ્રસ્તાવ મૂક્યો છે કે રાજ્યો એટલે કે પ્રાંતને જે ટેક્સની રકમ જાય છે તેમાં ઘરખમ ઘટાડો કરવો જોઈએ. હવે કેટલાક પ્રાંતમાં બિલાવલની સરકાર છે. તેને જો ફંડ ઓછું મળે તો મલાઈ કેવી રીતે ખાય? એટલે બિલાવલે આ ત્રીજા મુદ્દાનો વિરોધ કર્યો છે. પાકિસ્તાનમાં તખતા પલટનું નવું મોડલ 12 ઓક્ટોબર 1999નો દિવસ. પાકિસ્તાન એરલાઈન્સની ઈન્ટરનેશનલ ફ્લાઈટ PK805 કરાચીના આકાશમાં ચક્કર લગાવી રહી હતી. પ્લેનમાં ફ્યુઅલ સતત ઓછું થતું જતું હતું. આ પ્લેનને નીચે ઉતરવાની મંજૂરી મળતી નહોતી. આ પ્લેનમાં બેઠા હતા પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફ અને પાકિસ્તાનની ધરતી પરથી પ્લેન ન ઉતરવાનો આદેશ આપ્યો હતો નવાઝ શરીફે. પણ મુશર્રફના વફાદાર સૈનિકોએ એરપોર્ટને ઘેરી લીધું. લેન્ડિંગની પરમિશન મળી. પ્લેન ઉતર્યું ત્યારે તેમાં માત્ર 7 મિનિટનું જ ફ્યુઅલ બચ્યું હતું. પાકિસ્તાની ટીવીમાં સેના જ દેખાતી હતી અને નવાઝ શરીફ તેના જ ઘરમાં નજરકેદ હતા. સંસદ અને સંવિધાન ભંગ થઈ ગઈ. મુશર્રફે સત્તા છીનવી લીધી હતી. આ તખ્તા પલટની જૂની રીત છે. હવે વર્તમાનમાં આવીએ. વર્ષ 2025. આ વખતે સીન ઊંધો છે. સરકાર નરમાઈથી વર્તે છે એટલે જનરલ આસીમ મુનીર સંપૂર્ણ કંટ્રોલમાં છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ સામે ચાલીને તેને મળવા ગયા હતા. શરીફ સરકાર મુનીર પાસેથી સહમતી ઈચ્છે છે કે સંવિધાનમાં ફેરફાર થાય.આ ફેરફારથી મુનીરની તાકાત અનેકગણી વધી જશે અને તે પાકિસ્તાનના સર્વેસર્વા થઈ જશે. આ તખ્તા પલટનું નવું મોડેલ છે. કાયદેસરનું મોડેલ, કોઈ વિવાદ, માથાકૂટ કે ઝઘડા વગરનું મોડેલ. આ વખતે પાકિસ્તાની સરકાર સામે ચાલીને સંવિધાનમાં ફેરફાર કરીને તમામ પાવર સત્તાવાર રીતે સેનાને આપી રહી છે. અગાઉ સંવિધાન સંશોધનમાં શું થયું હતું? મુનીર ક્યાં સુધી પદ પર રહેશે? ગયા વખતે નવેમ્બર 2024માં પાકિસ્તાનના બંને ગૃહો નેશનલ એસેમ્બલી અને સેનેટે આર્મી ચીફનો કાર્યકાળ 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવાની મંજૂરી આપી હતી. ત્યારે રક્ષામંત્રી ખ્વાજા આસીફે એવું કહ્યું હતું કે પાકિસ્તાની આર્મી ચીફ આસીમ મુનીર નવેમ્બર 2027 સુધી પદ પર રહેશે. આસીમ મુનીર 2027 નહિ પણ 2030 અને તેના પછી પણ આ પદ પર રહેશે કે નહિ, તેની ચર્ચા આખા પાકિસ્તાનમાં થઈ રહી છે. પાકિસ્તાની સરકારમાં કોઈ વડાપ્રધાને પાંચ વર્ષ પૂરા કર્યા નથી પણ ચીફ ઓફ આર્મી તેના પદ પર પાંચ વર્ષ રહી શકે. એ જરૂરી નથી કે તે પાંચ વર્ષ પછી ખુશી ખુશી રિટાયર થઈ જશે. તેને તેટલા જ સમયનું એક્સટેન્શન પણ મળી શકે છે. તેનો અર્થ એવો થયો કે અસીમ મુનીર નવેમ્બર 2030 કે 2032 સુધી તો આ પદ પર રહી શકશે. આર્મીને લગતી કલમ 243ની કહાની… આર્મીને લગતી કલમ 243ની અજબ કહાની છે. એક સમયના વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ ત્રણેય સેના પ્રમુખની નિયુક્તિના અધિકાર પોતાની પાસે રાખ્યા. જ્યારે જનરલ ઝિયા-ઉલ-હક માર્શલ લો લગાવીને રાષ્ટ્રપતિ બની ગયા પછી ચીફ ઓફ આર્મી સ્ટાફ પણ પોતે જ બની ગયા. ટૂંકમાં ઝિયા-ઉલ-હક પોતાના જ બોસ બની ગયા. ઝિયાએ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ એમ બે પદ પર 11 વર્ષ પૂરા કર્યા ને તેનું વિમાન ક્રેશ થયું ને તેનું મૃત્યુ થયું. જ્યારે નવાઝ શરીફ વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે આર્મી ચીફ નિયુક્ત કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસેથી લઈને પોતાની પાસે લઈ લીધો. જ્યારે પરવેઝ મુશર્રફે નવાઝ શરીફને સાઈડ લાઈન કરીને સત્તા સંભાળી ત્યારે આર્ટીકલ 243ના હક પોતાની પાસે લઈ લીધા. આ તો બધી ઔપચારિક વાતો હતી, કારણ કે દુનિયા જાણે છે કે પાકિસ્તાનમાં સત્તાનું સુકાન હંમેશાં કોના હાથમાં હોય છે. પાકિસ્તાનમાં ઊલટું છે. વડાપ્રધાન આર્મી ચીફની પસંદગી નથી કરતા પણ આર્મી ચીફ પોતે નક્કી કરે છે કે વડાપ્રધાન કોણ બનશે. છેલ્લે, યુનાઈટેડ નેશન્સમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત આસીમ ઈફ્તિખાર અહેમદે UNમાં મુદ્દો ઉઠાવ્યો છે કે ભારતે સિંધુ જળસંધીનો ભંગ કરીને પાણી રોકી રાખ્યું છે. તેના કારણે પાકિસ્તાનના લાખો લોકો પર જળ અને ભૂખનું સંકટ આવી ગયું છે. આ બરાબર નથી. ભારતે હજી કોઈ જવાબ આપ્યો નથી, કદાચ આપશે પણ નહિ. કારણ કે આતંકવાદીઓની ઘૂસણખોરી બંધ થઈ નથી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

Read more

← Back to Home