BLO દ્વારા ઘરે-ઘરે જઈને ગણતરી ફોર્મ ભરાશે:જૂનાગઢ જિલ્લામાં 4 ડિસેમ્બર સુધી મતદારોનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) શરૂ, એક પણ પાત્ર મતદાર બાકાત નહીં રહે: કલેક્ટર
જૂનાગઢ જિલ્લામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન – SIR કાર્યક્રમનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. કલેક્ટર, જૂનાગઢ દ્વારા પત્રકાર પરિષદ યોજીને આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, ભારતનો કોઈપણ નાગરિક જે મતદાર યાદીમાં દાખલ થવા પાત્ર હોય, તે બાકાત ન રહી જાય, અને કોઈપણ અપાત્ર વ્યક્તિનું નામ મતદારયાદીમાં સામેલ ન થાય.આ SIR કાર્યક્રમમાં ગુજરાત સહિત કુલ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. BLO દ્વારા ઘરે-ઘરે ગણતરી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં 1338 જેટલા બૂથ લેવલ ઓફિસર (BLO) છે, જે 04/11/2025 થી 04/12/2025 દરમિયાન મતદારોના ઘરે-ઘરે જઈને ગણતરી કરશે. જૂનાગઢ જિલ્લામાં 1,30,344 જેટલા મતદારો છે.તમામ વિધાનસભા મતવિભાગના મતદારો માટે એન્યુમરેશન ફોર્મ છપાઈ ગયા છે અને BLO ને તેનું વિતરણ કરવામાં આવ્યું છે.BLO આ ફોર્મ્સ મતદારોને 2 નકલમાં વિતરણ કરશે. જેમાંથી 1 નકલ મતદાર પોતાની પાસે સાચવીને રાખશે અને બીજી નકલ ભરીને BLO ને પરત કરશે.BLO દરેક ઘરની ઓછામાં ઓછા 3 વખત મુલાકાત લેશે, જો ઘર બંધ હોય તો ગણતરી ફોર્મ મૂકશે અને ભરાયેલા ફોર્મ એકત્ર કરશે. મતદારો માટેની અગત્યની સૂચનાઓ જિલ્લાના મતદારોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે જ્યારે BLO ગણતરી ફોર્મ આપવા આવે ત્યારે તેને સ્વીકારી, તેમાં જરૂરી વિગતો ભરી સમય મર્યાદામાં ફરી BLO ને પરત કરે.મતદારે પોતાની જન્મતારીખ, ઉંમર (18 વર્ષ કે તેથી વધુ), મોબાઈલ નંબર, પિતા/વાલીનું નામ, માતાનું નામ, જીવનસાથીનું નામ જેવી વિગતો ફોર્મમાં ભરવાની રહેશે.મતદારોએ આ ફોર્મમાં વિગતો ભરી સહી કરીને BLO ને પરત કરવાનું રહેશે.હાલમાં ગણતરી ફોર્મ ભરવાના તથા જમા કરવાના સમયગાળા દરમિયાન કોઈ દસ્તાવેજી પુરાવા BLO ને આપવાના રહેશે નહીં.હાલના તમામ મતદારો voters.eci.gov.in પર ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરીને પણ પોતાનું ગણતરી ફોર્મ ભરી શકશે. ડેટા સબમિશન અને વાંધા અરજી BLO દ્વારા એકત્રિત કરવામાં આવેલા ફોર્મ્સ ને BLO/ECINet મોબાઈલ એપ્લિકેશન મારફત અપલોડ કરીને સંબંધિત મતદાર નોંધણી અધિકારી (ERO) એટલે કે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ પાસે જમા કરાવવામાં આવશે.ડ્રાફ્ટ મતદારયાદી 09/12/2025 ના રોજ પ્રસિદ્ધ થયા બાદ, જો કોઈ મતદારને લાગે કે તેનું નામ આ યાદીમાં નથી અથવા અન્ય કોઈ પ્રશ્ન હોય, તો તે 09/12/2025 થી 08/01/2026 દરમિયાન ERO સમક્ષ હકક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે.વાંધા અરજી રજૂ કરનારા મતદારોને ERO દ્વારા નોટિસ પાઠવવામાં આવશે અને ત્યારે તેમણે તેના ડોક્યુમેન્ટરી પુરાવા રજૂ કરવાના રહેશે. આખરી મતદાર યાદી 07/02/2026 ના રોજ પ્રસિદ્ધ થયા બાદ પણ જો કોઈ મતદારને સુધારા-વધારા કે અન્ય કોઈ પ્રશ્નો મામલે અપીલ કરવી હોય અથવા મતદાર યાદી સાથે સહમત ન હોય, તો તે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ કરી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારીના નિર્ણય પર પણ વાંધો હોય તો રાજ્ય કક્ષાએ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે અપીલ કરી શકાશે. રાજકીય પક્ષોને સહકારની વિનંતી ચૂંટણી પંચે આ સમગ્ર પ્રક્રિયા પારદર્શકતાથી હાથ ધરી છે, જેને લઈ તમામ મતદારોને અપીલ છે કે લોકો આમાં પૂરતો સાથ સહકાર આપે. આ તમામ પ્રક્રિયામાં રાજકીય પક્ષોનું ખૂબ અગત્યનો ભાગ છે, તેથી જિલ્લા લેવલે રાજકીય પક્ષો સાથે બેઠક કરી ઝીણવટપૂર્વક સમગ્ર માહિતી અને જાણકારી આપવામાં આવી છે..
