Divya Bhaskar Gujarat

BLOની કામગીરી મુદ્દે શિક્ષક આલમમાં રોષ:SIRની કામગીરીમાં 90%થી વધુ શિક્ષકોને BLO તરીકે જોતરી દેવાયા, 'ધરપકડ વોરંટ' પાછા ખેચવાની માગ સાથે રાજ્ય શિક્ષક સંઘનું આવેદનપત્ર

Published: November 4, 2025 • Language: English

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે (ગુ.રા.પ્રા.શિ.સંઘ) રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણાની કામગીરીમાં બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અને તેમની સામે ઈસ્યુ કરાયેલા ધરપકડ વોરંટ મુદ્દે રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદન પત્ર આપ્યું છે. સંઘે તાત્કાલિક તમામ વોરંટ પાછા ખેંચવા અને BLOની કામગીરીનો બોજ શિક્ષકો પરથી હળવો કરવાની માંગણી કરી છે. ‘શિક્ષકો માટે શાળા સમય બાદ આ કામગીરી કરવી કોઈપણ સંજોગોમાં શક્ય નથી’
SIRની કામગીરીમાં 90%થી વધુ શિક્ષકોને BLO તરીકે જોતરી દેવામાં આવતા શિક્ષક આલમમાં વ્યાપક રોષ ફેલાયો છે. ગુ.રા.પ્રા.શિ.સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદન આપી જણાવ્યું છે કે, BLOની કામગીરી ફેબ્રુઆરી સુધી એટલે કે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી સતત ચાલવાની છે. શિક્ષકો માટે શાળા સમય બાદ આ કામગીરી કરવી કોઈપણ સંજોગોમાં શક્ય નથી. આ કામગીરી શાળા સમય દરમિયાન જ કરવી પડે તેમ છે. જેના કારણે નિયમિત શૈક્ષણિક કાર્યને અસર પહોંચે છે. તમામ ઈસ્યુ કરાયેલા વોરંટ તાત્કાલિક પાછા ખેંચવા માગ
વધુમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કોઈ કારણોસર BLO કર્મચારી (શિક્ષક) કામગીરી ન કરી શક્યા હોય કે કચેરીએ હાજર ન રહી શક્યા હોય તો જાણે તેમણે કોઈ મોટો ગુનો કર્યો હોય તેમ તેમની સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા છે. BLO કામગીરી સંદર્ભે શિક્ષકોના ધરપકડ વોરંટથી સમગ્ર શિક્ષક સમાજ વ્યથા અનુભવે છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આ કૃત્યનો સખત વિરોધ કરે છે અને અમારી માંગણી છે કે તમામ ઈસ્યુ કરાયેલા વોરંટ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે. ‘BLOની કામગીરી વિવિધ 12 કેડરમાં સમાન રીતે વહેંચવી જોઈએ’
સંઘે આવેદન પત્ર આપીને ધ્યાન દોર્યું છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચની સ્પષ્ટ લેખિત સૂચના છે કે BLOની કામગીરી વિવિધ 12 કેડરમાં સમાન રીતે વહેંચવી જોઈએ. જોકે ગુજરાતમાં કુલ BLOની જગ્યાના 90%થી વધારે કામગીરી ફક્ત શિક્ષકો બજાવે છે. જે કેન્દ્રના ચૂંટણી પંચની સૂચનાનો અનાદર છે. કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી
સંઘે માગ કરી છે કે રાજ્યના દરેક જિલ્લામાં વિવિધ કેડરના કર્મચારીઓને BLOની કામગીરી સોંપીને બાકીના શિક્ષકોને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. સંઘે ચીમકી ઉચ્ચારી છે કે, જો આ માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો નાછૂટકે શિક્ષકોને આ કામગીરીનો બહિષ્કાર કરવાની ફરજ પડશે.

Read more

← Back to Home