Asarwa તળાવમાંથી માછલીઓ મૃત હાલતમાં મળી આવી, તપાસ વગર આસપાસની જગ્યામાં દાટી દેવાઈ
શુક્રવારે સવારે અસારવા તળાવમાંથી ફરી મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી છે. જેને બહાર કાઢીને ક્યાંકને ક્યાંક આસપાસના વિસ્તારમાં દાટી દેવામાં આવી હોવાની સ્થાનિકોની ફરિયાદ રહેલી છે.
આ અંગેની કોઈ પણ તપાસ કરવામાં અધિકારીઓએ રસ ન દાખવ્યો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે. જેમાં પર્યાવરણવિદ અને સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પ્રદુષિત પાણી અને ઓક્સિજન ન મળતાં માછલીઓ મરી રહી છે. જેના પર કોઈ જ પગલાં ભરવામાં આવી રહ્યા નથી. હજી થોડાં દિવસ પહેલાં જ કમોસમી વરસાદના કારણે અસારવા તળાવની અંદરથી ઘણી બધી માછલીઓ મૃત હાલતમાં તરતી દેખાય હતી, જ્યારે કેટલીક માછલીઓ મોટી સંખ્યામાં બહાર આવી ગઈ હતી. જે પછી તેના અંગે મ્યુનિ. કોર્પોરેશન અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં માછલીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ અંગેની માહિતી અનુસાર, અસારવા તળાવમાં ફ્રીથી માછલીઓ મરી રહી છે, હજી થોડાં દિવસ પહેલાં જ મોટી સંખ્યામાં 200 થી 300 જેટલી માછલીઓને બહાર કાઢવામાં આવી હતી. જેને ફાયરની ટીમ દ્વારા મોટું ટેન્કર મોકલીને ત્યાંથી રફેદફે કરવામાં આવી હતી. એટલું જ નહીં તળાવની ઉપર પાણીનો મારો ચલાવીને લીલનું ગંદુ લેયર હટાવવામાં આવ્યું હતું. આ પછી પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ સ્થળ ઉપર વિઝીટ કરીને સેમ્પલ લઈ ગઈ હતી. હજી તે ઘટનાને માંડ ત્રણ ચાર દિવસ થયાં ત્યાં શુક્રવારે ફરીથી મોટી સંખ્યામાં માછલીઓ મળી આવી છે. આ માટે સ્થાનિકોએ ડે. કમિશ્નરને જાણ કરવામાં આવી પરંતુ કોઈ પણ અધિકારીઓ ત્યાં હાજર રહ્યા ન હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. આ ઉપરાંત બહાર કાઢવામાં આવેલી માછલીઓને આસપાસમાં દાટી દેવામાં આવી રહી છે, તેના કારણે ત્યાં પણ પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ આવવાની અને ગંદકી થવાની સંભાવના રહેલી છે. જેના સાથે જ ક્યાંક સમગ્ર ઘટના દબાવવાની અધિકારીઓ દ્વારા કોશિશ કરવામાં આવી રહી હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ રહેલી છે. એટલું જ નહીં તળાવની અંદરના ફુવારા અને પાણીની લાઈનો પણ બંધ સ્થિતિમાં હતી તેને પણ સફાઈ માટે શરૂ કરવામાં આવી છે.
