AMC રોડ પ્રોજેક્ટ વિભાગનું અણધડ આયોજન:સાબરમતીમાં મોબાઇલ ટાવર દૂર કર્યા વિના રોડ બનાવી દીધો, એકદમ સીધો રોડ હવે અનઇવન બની ગયો
શહેરના સાબરમતી વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જવાહર ચોકથી ભુત બંગલા સુધીનો 500 મીટર રોડ નવો બનાવવામાં આવી રહ્યો છે. જોકે છેલ્લા કેટલાય દિવસથી આ રોડ બનાવવાની કામગીરી બંધ કરી અધૂરી છોડી દેવામાં આવી છે. રોડ પરના દબાણો દૂર કરી રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ઉતાવળે રોડ બનાવવાની કામગીરી કરી દેવામાં આવી હતી. જો કે રોડની વચ્ચે આવેલો મોબાઈલ ટાવર દૂર કરવામાં આવ્યો નથી જેના કારણે પણ કામગીરી અટકી પડી છે. રોડ પ્રોજેક્ટ વિભાગ અને એસ્ટેટ વિભાગના સંકલનના અભાવે હાલ રોડની કામગીરી અધુરી છે. રોડ એક સરખો હતો એની જગ્યાએ અનઇવન રોડ બની ગયો છે. અધિકારીઓની કામગીરી સામે ભાજપ કોર્પોરેટરોએ જ સવાલ ઉઠાવ્યા
સાબરમતી વોર્ડના ભાજપના કોર્પોરેટર ચેતન પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે છ મહિના પહેલા રોડ બનાવવાની કામગીરી કરવાની હતી ત્યારે જ અધિકારીઓને અમે જાણ કરી હતી કે જે પણ યુટીલીટી અને અડચણ દૂર કરવાની હોય તે કામગીરી પહેલા કરી દેજો. જે રોડની વચ્ચે ઝાડ આવેલા છે તેને પણ રી પ્લાન્ટ કરવા માટેની સૂચના આપી છે. છતાં પણ ત્યાં ડિવાઈડર બનાવી દેવામાં આવ્યા છે જ્યારે કોર્પોરેટર રમેશભાઈ રાણાએ પણ જણાવ્યું હતું કે, આ રોડ બનાવવા બાબતે કોઈપણ સંકલન કરવામાં આવેલું નથી ત્યાં દબાણો દૂર કરવામાં આવ્યા ત્યારે એક ગટર લાઈન પણ તૂટી ગઈ હતી જેના કારણે લોકો હેરાન થયા હતા આ બાબતે અધિકારીઓ સાથે વાત કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે કામગીરી ચાલુ છે અને મોબાઈલ ટાવર હટાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ તપાસ કરીશું. 6 મહિના પહેલા દબાણ દૂર કરાયા પણ ટાવર દૂર ન થતા કામગીરી અટકી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રોડ બનાવવા માટે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવે છે પરંતુ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ દ્વારા કામગીરી ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેનું સ્પષ્ટ ઉદાહરણ શહેરના સાબરમતી વોર્ડમાં જવાહરચોકથી ભૂત બંગલા સુધી બનાવવામાં આવી રહેલા રોડમાં જોવા મળ્યું છે. ભાજપના કોર્પોરેટરો દ્વારા રોડ પરના દબાણો દૂર કરીને પહોળો કરવા માટેની રજૂઆત બાદ છ મહિના પહેલા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રોડ પરના દબાણો દૂર કર્યા બાદ રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રોડ બનાવવા માટે RKC ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી જે કામગીરી કોઈપણ પ્રકારના સંકલન અને આયોજન વિના કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 500 મીટરના રોડ પર મોબાઇલ ટાવર, ઝાડ અને અન્ય યુટીલીટી માટે કોઈપણ આયોજન કરવામાં આવ્યું નહી. આડેધડ કામગીરી કરી દેવાતા અકસ્માતનો ભય
રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે એક મોબાઈલ ટાવર આવેલો છે જે મોબાઈલ ટાવર હજી સુધી દૂર કરવામાં આવ્યો નથી. કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં માત્ર આડશ મૂકી દેવામાં આવી છે. દબાણો દૂર કર્યા પહેલા જ્યાં રોડ પરથી લોકો જતા હતા ત્યાંથી જ થઈને જવું પડે છે. આ ઉપરાંત રોડ પરની ડિઝાઇન પણ અલગ પ્રકારની બનાવી દેવામાં આવી છે. રોડ પર આવેલા ઝાડની આજુબાજુમાં ડિવાઇડર બનાવી દેવામાં આવ્યા છે પરંતુ વચ્ચે જગ્યા વધારે છે જેનાથી પહોળા છે કે, રોડ વધારે સાંકડો બની ગયો હોય એવો બની ગયો છે. રોડ ઉપર ટેકરાના દવાઓ હતા જે પણ કેટલાક દૂર નથી કરવામાં આવ્યા જેના કારણે થઈને ખૂબ જ અનઇવન પ્રકારનો રોડ બની ગયો છે. ગટરની ચેમ્બરો ની આજુબાજુ પણ ખાડા છે જેના કારણે કોઈપણ વાહન ચાલકનું ટાયર તેમાં ફસાય તો પડી જાય તેવી સ્થિતિ છે. રોડ પહોળો કર્યો પણ લોકોની તકલીફ ઘટવાના બદલે વધી
મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રોડ બનાવવાની કામગીરી માટે સ્થળ પર યોગ્ય રીતે તપાસ કર્યા વિના જ કયા પ્રકારના અડચણ અને યુટીલીટી દૂર કરવી પડશે તેનો કોઈપણ તલસ્પર્શી અભ્યાસ કર્યા વિના ઉતાવળે રોડ બનાવવાની કામગીરી કરી દેવામાં આવી અને હવે છેલ્લા 15 દિવસથી કામગીરી બંધ છે. રોડ પર ડિવાઈડર બનાવી દેવામાં આવ્યા છે પરંતુ ત્યાં કોઈ કામગીરી પૂરી કરવામાં આવેલી નથી તો બીજી તરફ આ રોડ ઉપર વાહનોના દબાણો જ યથાવત છે જેથી અગાઉ લોકોને જેટલી તકલીફ વધારે નહોતી પડતી એના કરતાં વધારે તકલીફ આ રોડ પહોળો કર્યા બાદ પડી રહી છે.
