Ahmedabad Rain News : ગુજરાતમાં અનેક સ્થાનો પર ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદથી સાબરમતી નદી બે કાંઠે, જુઓ Video
ગુજરાતમાં અનેક સ્થાનો પર ચોમાસા જેવા વરસાદ ખાબકી રહ્યો છે. અમદાવાદમાં પણ છેલ્લા ત્રણ દિવસથી છુટો છવાયો વરસાદ વરસ્યો. મધ્યમ વરસાદમાં પણ સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો. કમોસમી વરસાદથી ધરોઈ ડેમમાં પાણીની આવક વધી. ડેમમાં 1946 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ધરોઇ ડેમમાં પાણીની સપાટી વધતાડેમનો 1 ગેટ 3.5 ફૂટ ખોલી પાણી છોડાવાનો નિર્ણય કરાયો. ધરોઈ ડેમનું પાણી સાબરમતી નદીમાં 4968 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ અને ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે થઈ.
સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો
અમદાવાદમાં કમોમસી વરસાદથી વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરી વિસ્તારમાં વરસાદના કારણે ઠંડક પ્રસરી જવા પામી. કમોસમી વરસાદથી સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થતા નદીના વોક વે પાસે 4 થી 5 ફૂટ સુધીની પાણીની આવક થઈ. ગઈકાલે વાસણા બેરેજના 2 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. રાજ્યભરમાં કમોસમી માવઠાની અસર દેખાઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાતા પાકને મોટું નુકસાન થયું. ગઈકાલે રાત્રે શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ સુધી અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં વરસાદી વાતાવરણની હવાઈ સેવા પર અસર થઈ રહી છે. આકાશમાં ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટતા ફ્લાઈટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો.અમદાવાદ આવતી-જતી કેટલીક ફ્લાઇટના સમયપત્રકમાં બદલાવ કરાયો. મોટાભાગની ફ્લાઇટો 1 થી 5 કલાક સુધી ડિલે છે. શહેરમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થતા શહેરના રિવરફ્રન્ટ પર લોકો આ દ્રશ્ય જોવા ઉમટી પડયા. ઠંડી વચ્ચે કમોસમી વરસાદ થતા શહેરીજનો બેવડીઋતુનો અનુભવ કરી રહ્યા છે.
