Gujarati News

Ahmedabad: યુનિયન બેંકમાં અંગત અદાવત ફાયરિંગ, નિવૃત્ત SRPF ગાર્ડે સહકર્મીને પગે ગોળી મારી

Published: October 31, 2025 • Language: English

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર સી.જી. રોડ પર આવેલી યુનિયન બેંકની કરન્સી ચેસ્ટમાં થયેલા ફાયરિંગના બનાવમાં નવરંગપુરા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ ઘટના માત્ર એક અકસ્માત નહીં, પરંતુ અંગત અદાવતનું પરિણામ હોવાનું સામે આવ્યું છે, જેમાં એક સિક્યુરિટી ગાર્ડે તેના સહકર્મી પર ગોળી ચલાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદમાં ફાયરિંગમાં મોટો ખુલાસો

ફાયરિંગની આ ઘટના સીજી રોડ પર આવેલી યુનિયન બેંકની કરન્સી ચેસ્ટ ખાતે બની હતી.  પોલીસે ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ નિવૃત્ત SRPF જવાન મહેશ મહેરિયા તરીકે કરી છે. ગોળીનો ભોગ બનનાર અન્ય સિક્યુરિટી ગાર્ડનું નામ ઇમિયાઝ ખાન બલોચ છે, જેને પગના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજા થઈ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફાયરિંગનું કારણ એક મહિના જૂની સામાન્ય ઘટના હતી. લગભગ એક મહિના અગાઉ ઇજાગ્રસ્ત ઇમિયાઝ ખાને મજાક-મસ્તીમાં આરોપી મહેશ મહેરિયાને પેટના ભાગે ફેટ (ફટકો) મારી હતી. મહેશ મહેરિયાએ આ વાતનું મનમાં વેર રાખીને બદલો લેવાના ઇરાદે ફાયરિંગ કર્યું હતું.

સીજી રોડ પર યુનિયન બેંકમાં ફાયરિંગ

આરોપી મહેશ મહેરિયાએ ઇમિયાઝ ખાન બલોચને પગના ભાગે ગોળી મારીને હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. સીજી રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં થયેલી આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. ફાયરિંગની સમગ્ર ઘટના બેંક પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ પોલીસને મહત્વના પુરાવા તરીકે મળ્યા છે.આરોપી મહેશ અને ઇજાગ્રસ્ત ઇમિયાઝ ખાન બલોચ બંને એક જ ખાનગી સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતા હતા.

અંગત અદાવતમાં સિક્યુરિટી ગાર્ડે ફાયરિંગ કર્યુ

નવરંગપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી નિવૃત્ત SRPF મેન મહેશ મહેરિયાની ધરપકડ કરી છે અને તેની સામે હત્યાના પ્રયાસ (IPC 307) સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ફાયરિંગ અદાવતમાં જ કરાયું હતું કે અન્ય કોઈ કારણ પણ જવાબદાર છે, તેમજ આરોપીએ હથિયારનો ઉપયોગ કયા સંજોગોમાં કર્યો.

← Back to Home