હાઇકોર્ટે ભવિષ્યને લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન પાવર એસેસમેન્ટ કરવા કહ્યું:સરકારી વકીલે કહ્યું- આગામી કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાન રાખીને AIનો પણ ઉપયોગ કરાશે, ચાર સભ્યોની કમિટી બની
ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ચીફ જજની બેંચ દ્વારા સુઓમોટો અરજી લેવામાં આવી હતી. જેની ઉપર આજે સુનાવણી યોજાઇ હતી. જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસની જરૂરિયાત અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને આગામી 15 વર્ષ માટે શહેરનું આયોજન કેવું હશે તે માટે એક્સપર્ટ એજન્સીઓ પાસેથી ટેન્ડર મંગાવવામા આવ્યું છે. ગૃહ વિભાગ દ્વારા મેનપાવરને લઈને ફ્રેશ એસેસમેન્ટ કરવામાં આવશે
આગામી વર્ષોમાં ટ્રાફિક કેવો હશે, રોડ અને ટ્રાન્સપોર્ટ માટે વિઝન, મેનપાવર અને ટેક્નોલોજીનો ઉપયોગનો સંગમ કરવામાં આવશે. 13 નવેમ્બર સુધી ટેન્ડર ભરવાની તારીખ રાખવામાં આવી છે. જેનો રીપોર્ટ 15 સપ્તાહમાં આપવાનો રહેશે. આ માટે ચાર સિનિયર પોલીસ ઓફિસરની કમિટી બનાવવામા આવી છે. જેના ચેરમેન IGP ટ્રાફિક છે. ગૃહ વિભાગ દ્વારા મેનપાવરને લઈને ફ્રેશ એસેસમેન્ટ કરવામાં આવશે. કોમનવેલ્થ અને ઓલિમ્પિકનું આયોજન કરવાના છો તો તે મુજબ એસેસમેન્ટ કરો
કોર્ટે સૂચન કર્યું હતું કે, આજની અને ત્યારબાદના 5 વર્ષમાં કેટલા મેનપાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હશે તે નક્કી કરવામાં આવે. વર્તમાનમાં અમદાવાદ શહેરના મોટા ચાર રસ્તાઓ ઉપર પણ હોમગાર્ડને મૂકવામા આવે છે કારણ કે, તમારી પાસે પૂરતો ટ્રાફિક સ્ટાફ નથી. તમે કોમનવેલ્થ અને ઓલિમ્પિક યોજવાનું આયોજન કરવા જઈ રહ્યા છો તો તે મુજબ એસેસમેન્ટ કરો. આ મુદ્દે વધુ સુનાવણી 12 ડિસેમ્બરના રોજ યોજાશે. કોર્ટે આ મુદ્દે ગૃહ વિભાગના સેક્રેટરીને પ્રોગ્રેસ રીપોર્ટ રજૂ કરવા અગાઉ જણાવ્યું હતું
અગાઉની સુનવણીમાં કોર્ટને જણાવાયું હતું કે, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા રાજ્યમાં 1315 ટ્રાફિક કર્મચારીની જરૂર છે. આગામી સમયમાં આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરાશે. જેની જાહેરાત બહાર પાડવામાં આવશે. 1315 કર્મચારીઓમાંથી અમદાવાદમાં 200 ટ્રાફિક કોન્સ્ટેબલ ફાળવવામાં આવશે. આગામી 15 વર્ષ માટે પોલીસની જગ્યાઓને લઈને થર્ડ પાર્ટી એક્સપર્ટ સલાહ લેવાઈ રહી છે. વર્તમાનમાં 12 હજાર જગ્યાઓ પોલીસમાં ભરાઈ રહી છે. જોકે, કોર્ટે કહ્યું હતું કે વર્તમાન સમયમાં રાજ્યમાં વસ્તીના હિસાબમાં પોલીસની જરૂરિયાત અંગે સ્પષ્ટતા નથી. આ માટે એનાલીસીસ જરૂરી છે., ટ્રાફિક પોલીસની કેટલી જરૂર છે ? ભવિષ્યમાં કેટલી જરૂર પડશે ? આ સાથે જ કોર્ટે આ મુદ્દે ગૃહ વિભાગના સેક્રેટરીને પ્રોગ્રેસ રીપોર્ટ રજૂ કરવા અગાઉ જણાવ્યું હતું. પોલીસ ભરતી બોર્ડ રોટેશન અંગે નિર્ણય કરે
અગાઉની સુનાવણીમાં કોર્ટને જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસની જગ્યા બિન હથિયારધારી પોલીસ કર્મચારીઓમાંથી કરવામાં આવે છે. સીધી ભરતી અંતર્ગત જ ટ્રાફિક પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. વર્તમાન ભરતી ટૂંકા અને મધ્યમ ગાળાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ માટે કોઈ અલગ કેડર નથી. આમ કરવામાં આવે તો પ્રમોશન સહિતના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. જેથી રોટેશન કરીને ટ્રાફિક પોલીસમાં પોલીસને તૈનાત કરવામાં આવે છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, પોલીસ કર્મચારીને ભલે આખું જીવન ટ્રાફિક વિભાગમાં રાખવામાં ના આવે, પરંતુ પોલીસ ભરતી બોર્ડ રોટેશન અંગે નિર્ણય કરે.
