પોરબંદરના વિસાવાડા ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી:ખેતીનો ખર્ચ 95 ટકા અને પરિવારની દવાનો ખર્ચ 98 ટકા ઓછો થયો
પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત હોથીભાઈ હાજાભાઈ કેશવાલાએ પ્રાકૃતિક કૃષિ અપનાવીને નોંધપાત્ર સફળતા મેળવી છે. તેમણે માત્ર મબલક કમાણી જ નથી કરી, પરંતુ પોતાના પરિવારના સ્વાસ્થ્યને પણ સુદૃઢ બનાવી અન્ય ખેડૂતો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક ગીર ગાય વસાવીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી
કોરોના મહામારીના કપરા સમય દરમિયાન શહેર છોડીને પોતાના ગામડે પરત ફર્યા બાદ તેમને પ્રાકૃતિક કૃષિ કરવાનો વિચાર આવ્યો હતો. ગાય પ્રત્યેની તેમની લાગણી અને બાળપણની ગામડાની યાદોએ તેમને આ દિશામાં આગળ વધવા પ્રેર્યા, અને ટૂંક સમયમાં જ તેમનો આ વિચાર સંકલ્પમાં પરિણમ્યો. હોથીભાઈએ સૌપ્રથમ એક ગીર ગાય વસાવીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. શરૂઆતમાં જગ્યાના અભાવે ગાય આધારિત ખેતીમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેથી તેમણે વધુ નફો આપતી શાકભાજીની પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 6 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી
હોથીભાઈના મતે, રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં આશરે 95 ટકા ખર્ચ ઓછો થાય છે, જ્યારે ઉત્પાદનની માત્રા લગભગ સમાન જળવાઈ રહે છે. તેઓ જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરીને ઉત્તમ ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવે છે. હાલ તેઓ 6 વીઘા જમીનમાં ટમેટી, ચોળા, ગવાર, ભીંડી, કારેલા, ગલકા, જુમખડા, રીંગણ, દુધી જેવા શાકભાજી તેમજ તરબુચ અને ટેટી જેવા ફળોની સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે. પરિવારનો દવાનો ખર્ચ 98 ટકા સુધી ઓછો થયો
હોથીભાઈ જણાવે છે કે ગામડે આવીને પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ અને ભોજનમાં પ્રાકૃતિક ઉત્પાદનોનો ઉપયોગ શરૂ કર્યા બાદ, તેમના પરિવારનો દવાનો ખર્ચ 98 ટકા સુધી ઓછો થયો છે. તેઓ ગર્વભેર તેમની દીકરીનું ઉદાહરણ આપીને જણાવે છે કે પ્રાકૃતિક આહારને કારણે તે બીમાર પડવાનું પ્રમાણ નહિવત્ થઈ ગયું છે. પ્રાકૃતિક ખેતી ઉપજની પોતાની બ્રાન્ડ શરૂ કરી
પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના સીધા વેચાણ માટે હોથીભાઈએ “એચ.એચ.કે. (હોથી હાજા કેશવાલા)” નામની પોતાની પ્રાકૃતિક કૃષિની બ્રાન્ડ પણ શરૂ કરી છે. તેઓ પોરબંદર શહેરના પોતાના નિયમિત ગ્રાહકોને તેમજ વધારાના ઉત્પાદનને માર્કેટિંગ યાર્ડમાં વેચે છે. ગ્રાહકોને વધુ સુવિધા આપવા માટે, તેઓ બે કે તેથી વધુ કિલોના શાકભાજીના ઓર્ડર પર પોરબંદરમાં ગમે ત્યાં હોમ ડિલિવરીની સેવા પણ પૂરી પાડે છે. હોથીભાઈ હાજાભાઈ કેશવાલાની પ્રાકૃતિક કૃષિની આ સફળ ગાથા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.
