Gujarati News

પોરબંદરમાં સિંધી સમાજનું વિરોધ પ્રદર્શન:છત્તીસગઢ ક્રાંતિ સેનાના પ્રમુખ અમિત બઘેલ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ

Published: November 7, 2025 • Language: English

પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા તાજેતરમાં એક વિશાળ વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. છત્તીસગઢ રાજ્યમાં અમિત બઘેલ દ્વારા સિંધી સમાજ અને તેમના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ અંગે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓના વિરોધમાં આ પ્રદર્શન યોજાયું હતું, જેના કારણે સમગ્ર સિંધી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શુક્રવારે યોજાયેલી આ વિરોધ રેલી સુદામા ચોક (ફેમિલી સિલેક્શન) થી શરૂ થઈ હતી અને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. રેલી દરમિયાન, સમાજના સભ્યોએ “સિંધી એકતા ઝિંદાબાદ” અને “જાગો સિંધી જાગો” જેવા સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કલેક્ટર કચેરી ખાતે મામલતદાર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં મુખ્યત્વે ત્રણ માંગણીઓ કરવામાં આવી હતી: અમિત બઘેલ વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, તેમને જાહેરમાં માફી માંગવા માટે ફરજ પાડવામાં આવે, અને સિંધી સમાજની ધાર્મિક લાગણીઓનું રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે. આ આયોજનમાં પોરબંદર સિંધી જનરલ પંચાયત, શ્રદ્ધાધામ ગાદીપતિ સાઈ મૂલણશાહ, ગુરુ નાનક મંદિરના ગાદીપતિ દિનેશભાઈ સાહેબ સહિત વિવિધ સિંધી સમાજ સંસ્થાઓના આગેવાનો અને યુવા સંગઠનો જોડાયા હતા. સિંધી જનરલ પંચાયતના પ્રમુખ રવિભાઈ નેભનાણી અને ઉપપ્રમુખ ભીખુભાઈ ભવનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિરોધ પ્રદર્શનને અન્ય સમાજો તરફથી પણ ટેકો મળ્યો હતો. લાડી લોહાણા સમાજના પ્રમુખ બલરામભાઈ તન્ના અને ઉપપ્રમુખ મુકેશભાઈ આસનાણી, તેમજ સોની સમાજના સેક્રેટરી મુરલીભાઈ સોની સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. સિંધી યુવા સેના સહિત મોટી સંખ્યામાં યુવાનો પણ રેલીમાં જોડાયા હતા. સમાજે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે ધાર્મિક આસ્થાનું અપમાન કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. આ વિરોધ પ્રદર્શન દ્વારા સમાજે પોતાની માન્યતાઓનું રક્ષણ કરવાની અને પોતાની ધાર્મિક લાગણીઓ તથા ઓળખ વિશેનો સ્પષ્ટ સંદેશો તંત્ર સુધી પહોંચાડ્યો હતો.

Read more

← Back to Home