Gujarati News

બાલાચડી સૈનિક સ્કૂલમાં શિસ્તભંગનો મામલો ગરમાયો:શિક્ષકોની ઘટ, સ્વીમીંગ બંધ, વિદ્યાર્થીઓને થતી હેરાનગતિ સહિતના મુદ્દે વાલીઓએ રિવાબા જાડેજાને રજૂઆત કરી, નિરાકરણની ખાતરી મળી

Published: November 7, 2025 • Language: English

જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં શિક્ષકોની ઘટ, સ્વીમીંગ બંધ, વિદ્યાર્થીઓને થતી હેરાનગતિ સહિતના મુદ્દે રિવાબા જાડેજાને રજૂઆત કરી હતી. આ બેઠક જામનગર સર્કિટ હાઉસ ખાતે ખાનગીમાં યોજાઈ હતી, જેમાં વાલીઓ સાથે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, 575 વિદ્યાર્થીઓ ધરાવતી સૈનિક સ્કૂલમાં પૂરતો શિક્ષણ સ્ટાફ નથી, જેના કારણે NDA માટે યોગ્ય તૈયારી થતી નથી. આ ઉપરાંત, મેડિકલ અને ભોજન સહિતની સુવિધાઓનો પણ અભાવ છે. તાજેતરમાં કેટલાક મહિનાઓથી શિક્ષકોની ગેરહાજરીમાં સિનિયર વિદ્યાર્થીઓ અભ્યાસના નામે રેગિંગ કરી રહ્યા હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. વાલીઓએ આ અંગે તાત્કાલિક પગલાં લેવા અને શિક્ષણ સુધારવા માટેની માગણી કરી હતી. વાલીઓની રજૂઆત બાદ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તેમણે જિલ્લા કલેક્ટરને સર્કિટ હાઉસ ખાતે બોલાવ્યા હતા, જ્યાં અધિક કલેક્ટર બી.એન. ખેર પણ ઉપસ્થિત રહ્યા હતા. રિવાબા જાડેજાએ જિલ્લા શિક્ષણ અધિકારી અને બાલાચડી સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાતચીત કરી હતી. વાલીઓને તેમના તમામ પ્રશ્નોનું 100 ટકા નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ વાલીઓની પ્રિન્સિપાલ સાથે મુલાકાત કરાવી તાત્કાલિક પ્રશ્નોના નિકાલ માટે સૂચનાઓ અપાઈ હતી. રિવાબા જાડેજાએ વાલીઓને વધુમાં ખાતરી આપી હતી કે, જો ભવિષ્યમાં કોઈ પ્રશ્ન કે તકલીફ હશે, તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને તેનું નિરાકરણ લાવવામાં આવશે. વાલીઓએ જણાવ્યું હતું કે, રિવાબા જાડેજાએ ખૂબ સારી રીતે અમારી રજૂઆત સાંભળી હતી અને તમામ પ્રશ્નોનો સો ટકા નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ અત્યાર સુધી અમને મળતા નહતા તેમણે પણ આજે તાત્કાલિક અમને મુલાકાતનો સમય આપી દીધો છે. અમારા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે રિવાબા જાડેજાએ વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વાલીઓએ બાલાચડી સૈનિક સ્કૂલ સામે શિસ્તભંગના આક્ષેપ કર્યા હતા. આ અંગે તાજેતરમાં કલેક્ટરને રજૂઆત પણ આપવામાં આવ્યું હતું. જે રજૂઆતમાં વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, શાળાનું વહીવટી તંત્ર તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે અને ટેલિફોનિક વાતચીત પણ ટાળે છે. સૌથી ગંભીર બાબત એ છે કે શાળાના આચાર્ય પણ વાલીઓની વાત સાંભળતા નથી. શાળામાં ઘણા વિષયોના કાયમી શિક્ષકો નથી. ઉપરાંત, સિનિયર વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ કરે છે અને જુનિયર વિદ્યાર્થીઓને હેરાન-પરેશાન કરે છે. જમવાની ગુણવત્તા પણ નબળી હોવાની ફરિયાદો છે. 5 વર્ષથી સ્વિમિંગ પૂલ બંધ હોવા છતાં દર વર્ષે બાળકો પાસેથી તેની ફી લેવામાં આવે છે. રમતગમતના મેદાનો હોવા છતાં પ્રશિક્ષકોનો અભાવ છે અને શાળા પરિસરમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળે છે. સૈનિક સ્કૂલમાં જુનિયરોને માર મારતો વીડિયો વાયરલ
બાલાચડી સૈનિક સ્કૂલમાં સિનિયર વિદ્યાર્થી દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને માર મારવામાં આવતો હોવાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેના કારણે શાળાના સંચાલકો સામે અનેક સવાલો ઉભા થયા છે. જે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક સિનિયર વિદ્યાર્થી જુનિયર વિદ્યાર્થીઓને માર મારી રહ્યો છે.

Read more

← Back to Home