Gujarati News

ગોધરામાં 27 શ્રમિકોને ST બસે રઝળાવ્યાં:ઓનલાઈન ટિકિટ બુકીંગ હોવા છતાં જામનગર જતી બસ શ્રમિકોને લીધા વગર નીકળી ગઈ

Published: November 7, 2025 • Language: English

પંચમહાલ જિલ્લાના ગોધરા બસ સ્ટેશન ખાતે જામનગર જતી એસટી બસ ૨૭ જેટલા શ્રમિક મુસાફરોને લીધા વગર જતી રહેતા તેઓને કલાકો સુધી રઝળવું પડ્યું હતું. આ શ્રમિકો દિવાળી પૂરી થયા બાદ જામનગર ખાતે ખેતમજૂરીના કામકાજ માટે જઈ રહ્યા હતા અને તેઓએ ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ કરાવ્યું હતું. દિવાળીના તહેવારના સમાપન બાદ પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના મજૂરો સૌરાષ્ટ્ર વિસ્તારમાં મજૂરી કામ અર્થે જતા હોય છે. આવા જ 27 શ્રમિકો, જેમાં શહેરા તાલુકાના નાડા ગામના રહેવાસીઓ પોતાના પરિવાર સાથે જામનગર જવા માટે ગોધરા બસ સ્ટેશન પહોંચ્યા હતા. તેઓએ દાહોદથી જામનગર જતી બસ માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી, જેથી તેમને સીટ મળી શકે. જોકે, બસ તેમને લીધા વગર જ આગળ નીકળી ગઈ હતી. આ ઘટનાને કારણે નાના બાળકો અને મહિલાઓ સહિતના શ્રમિકોને કલાકો સુધી બસ સ્ટેશન પર બેસી રહેવાનો વારો આવ્યો હતો. આ બસ ડાકોર ડેપોની હતી. ૨૭ શ્રમિકોએ ડાકોર એસટી વિભાગને આ બાબતે જાણ કરી હતી, પરંતુ એસટી વિભાગ દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે, તેમણે પોતાની રીતે સગવડ કરી લેવી પડશે અને રિફંડ પણ મળશે નહીં. ગોધરા એસટી ડેપો પર હાજર શહેરા તાલુકાના નાડા ગામના પ્રવીણસિંહ ગણપતિ પગી નામના શ્રમિકે ગોધરા એસટી વિભાગને પણ આ બાબતે જાણ કરી હતી, પરંતુ બસ નીકળી જવાના કારણે કોઈ મદદ મળી શકી ન હતી. આ મામલે ડાકોર ડેપોના સિનિયર મેનેજરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમણે તાત્કાલિક ડ્રાઈવર અને કંડક્ટરને બોલાવીને તપાસ કરી હતી. મેનેજરના જણાવ્યા અનુસાર, આ મુસાફરોને દાહોદથી બસમાં બેસવાનું હતું. કંટ્રોલરે એનાઉન્સમેન્ટ પણ કરાવ્યું હતું અને ત્યાં ડેપો પર પણ તપાસ કરાવી હતી, પરંતુ કોઈ મુસાફરો હાજર નહોતા. બસ ભરેલી હતી અને સમયસર હોવાથી કોઈ રિફંડ મળી શકે તેમ નથી.

Read more

← Back to Home