પેસેન્જર બેસાડવાની બાબતે રિક્ષા ચાલકને માર માર્યો:રેઈનબો હોટલ પાસે બોલાવીને લાકડીઓ ફટકારી, ચાર શખ્સ સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
અડાલજના ત્રિમંદિર પાસે પેસેન્જર બેસાડવા જેવી બાબતમાં અદાવત રાખી રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાની સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પેસેન્જર બેસાડવા જેવી નજીવી બાબતમાં કિરણ પરમાર નામના રીક્ષા ચાલકને રેઈનબો હોટલની પાસે લઈ જઈ અવાવરું જગ્યામાં લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. ચાર લોકોએ રીક્ષા ચાલકને ઢોર માર મારતા ફરિયાદી કિરણ પરમારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી ફરિયાદી કિરણ પરમારે પુના પરમાર, મંગો પરમાર સહિત બે અજાણ્યા શખ્સ વિરોધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પેસેન્જરને રિક્ષામાં બેસાડવા બાબતે બબાલ
2 નવેમ્બરના બપોરના સમયે અડાલજ ત્રિમંદિર બસ સ્ટેશન પાસે ફરિયાદી કિરણ પરમારની પુના પરમાર સાથે બોલાચાલી થઈ હતી. બે જેટલા પેસેન્જરને ફરિયાદીએ તેના બનેવીની રિક્ષામાં બેસાડ્યા હતા. જેને લઇને પુના પરમારે રિક્ષામાં પેસેન્જર કેમ બેસાડ્યા તેમ કહી ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી. જોકે બોલાચાલી બાદ ફરિયાદીને ગોતા જવાનું હોવાથી પુના પરમારની જ રિક્ષામાં બેસી ગયો હતો. રિક્ષામાં એક મહિલા પણ સવારી કરી રહી હતી તેને વૈષ્ણોદેવી સર્કલ પાસે અન્ય રિક્ષામાં બેસાડી દેવામાં આવી હતી. જે બાદ કિરણ પરમારને રિક્ષા ચાલક પુના પરમાર રીંગરોડની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર લઈ ગયો હતો. અવાવરું જગ્યામાં રીક્ષા પાર્ક કરી ને લાકડાથી ઢોર માર માર્યો
જ્યાં બે અજાણ્યા શખ્સો પણ તેની રિક્ષામાં આવીને બેસી ગયા હતા. તેમજ મંગા પર મારે બોલાચાલી કરી ફરિયાદી સાથે ઝઘડો પણ કર્યો હતો. ત્યાંથી ફરિયાદીને રિક્ષામાં બેસાડી અવાવરું જગ્યામાં રીક્ષા પાર્ક કરી ઢોર મારવામાં આવ્યો હતો. તેમજ ફરિયાદીના પાસે ખિસ્સામાં રહેલા 10 હજાર રૂપિયા પણ મારામારી દરમિયાન પડી ગયા હતા. લાકડીઓ વડે માર મારવાના કારણે ફરિયાદીને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
સામાન્ય બાબતે લાકડીઓ વડે ઢોર મારવામાં આવતા ફરિયાદી કિરણ પરમારે પુના પરમાર, મંગો પરમાર સહિત બે અજાણ્યા શખ્સ વિરોધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાબરમતી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
