Gujarati News

પોરબંદરના 11 ખેલાડીઓએ 22 મેડલ જીત્યા:10મી રાજ્યકક્ષાની માસ્ટર ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

Published: November 7, 2025 • Language: English

ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે યોજાયેલી 10મી રાજ્યકક્ષાની માસ્ટર ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2025માં પોરબંદર જિલ્લાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ગુજરાત માસ્ટર ખેલકૂદ મંડળ અને ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત આયોજિત આ સ્પર્ધામાં પોરબંદરના કુલ 11 ખેલાડીઓએ 8 ગોલ્ડ, 5 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 22 મેડલ જીતીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશિપમાં પોરબંદર જિલ્લામાંથી 2 મહિલા અને 9 પુરુષ ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમની મહેનત અને કૌશલ્યના પરિણામે ટીમે નોંધપાત્ર સફળતા હાંસલ કરી. વ્યક્તિગત પ્રદર્શનમાં, 65+ વય જૂથમાં વિનોદભાઈ પી. માકડિયા અને 65+ વય જૂથમાં લાભુબેન બી. વડાલિયાએ 3-3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ ઉપરાંત, 70+ વય જૂથમાં મેરુભાઈ જે. ભૂતીયાએ 1 ગોલ્ડ અને 1 સિલ્વર, જ્યારે રામદે વી. ઓડેદરાએ 1 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. અન્ય ખેલાડીઓમાં ભુરાભાઈ ભીખુભાઈ કારાવદરા (2 સિલ્વર), ડો. નરેશકુમાર ભાલીયા (1 સિલ્વર, 2 બ્રોન્ઝ), પુંજાભાઈ ઓડેદરા (1 બ્રોન્ઝ), કેશવભાઈ ખુટી (1 બ્રોન્ઝ), કેશવ એલ. વાઘ (1 સિલ્વર, 2 બ્રોન્ઝ) અને ખ્યાતિબેન ડી. ઠકરાર (1 બ્રોન્ઝ)નો સમાવેશ થાય છે. આ તમામ સફળ ખેલાડીઓની હવે અજમેર, રાજસ્થાન ખાતે યોજાનાર નેશનલ માસ્ટર ઍથ્લેટિક્સ કોમ્પિટિશન માટે પસંદગી કરવામાં આવી છે. આ ખેલાડીઓ સ્વખર્ચે રાષ્ટ્રીય કક્ષાએ પોરબંદરનું પ્રતિનિધિત્વ કરશે. આ માસ્ટર ઍથ્લેટ્સ યુવા પેઢી માટે પ્રેરણાસ્રોત બન્યા છે અને તેમણે ખેલ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પોરબંદરનું નામ રોશન કર્યું છે.

Read more

← Back to Home