મોરબીમાં આઇસર સાથે કાર અથડાઈ, મહિલાનું મોત:વહેલી સવારે નાસ્તો કરવા નીકળેલા દંપતી સાથે અકસ્માત
મોરબીના શનાળા રોડ પર મંગળવારે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોડ કિનારે પાર્ક કરેલા આઇસર સાથે કાર અથડાતા કારમાં સવાર 40 વર્ષીય હિનાબેન કંઝારીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં તેમના પતિ પ્રકાશભાઈ કંઝારીયાને ઈજા થઈ હતી. આ દુર્ઘટના મંગળવારે સવારે લગભગ 5:30 વાગ્યે શનાળા રોડ પર સમયના ગેટ નજીક બની હતી. પ્રકાશભાઈ કંઝારીયા અને તેમની પત્ની હિનાબેન કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર રોડ કિનારે ઉભેલા આઇસરના પાછળના ભાગે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં હિનાબેનને ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ થયું હતું, જ્યારે પ્રકાશભાઈને પણ ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રકાશભાઈ અને હિનાબેન કંઝારીયા દંપતી પોતાના ઘરે વાતો બનાવવાનું કામ કરતા હતા. વહેલી સવાર સુધી કામ કર્યા બાદ તેઓ નાસ્તો કરવા માટે નીકળ્યા હતા, તે સમયે આ દુર્ઘટના બની હતી. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરાતા, પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
