Gujarati News

મહીસાગરમાં જનજાતિય ગૌરવ દિવસ, રથયાત્રા આયોજન બેઠક:જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે અધ્યક્ષતા કરી

Published: November 4, 2025 • Language: English

મહીસાગર જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસ અને જનજાતિય ગૌરવ રથયાત્રાના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં આ બેઠક મળી હતી, જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે સરકાર દ્વારા આયોજિત જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવ અને જનજાતિય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી. તેમાં જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને રથયાત્રાના વિસ્તૃત આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ રથયાત્રા રાજ્યના કુલ ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં યોજાવાની છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રનિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ, ૧૫ નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સી.વી. લટા, પ્રાયોજના વહીવટદાર, પ્રાંત અધિકારીઓ, આરોગ્ય અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

Read more

← Back to Home