Gujarati News

કાલે ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળશે:સુરક્ષા માટે વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત 1 હજારથી વધુ પોલીસકર્મી, 500 હોમગાર્ડના જવાન તૈનાત રહેશે

Published: November 4, 2025 • Language: English

વડોદરા શહેરમાં આવતીકાલે બુધવારે ભગવાન શ્રી નરસિંહજીનો વરઘોડો નરસિંહજીની પોળમાં આવેલ ભગવાન શ્રી નરસિંહજી મંદિરથી નીકળશે અને તુલસીવાડી ખાતે જશે અને જ્યાં તુલસી વિવાહ સંપન્ન થયા બાદ ગુરુવારે વહેલી સવારે મંદિરે પરત ફરશે. જેના માટે વડોદરા શહેર પોલીસ દ્વારા વરઘોડાના સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર એ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં આવતીકાલે નીકળનાર ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે વરઘોડાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં હાજરી, ધાબા પોઇન્ટ અને ડીપ પોઇન્ટનું નિરીક્ષણ આજે કરવામાં આવ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલનો ભગવાનનો વરઘોડો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પ્રયાસ કરીએ છીએ. એડિશનલ પોલીસ કમિશનર, 6 DCP, 9 ACP, 50થી વધુ ઇન્સ્પેકર, 1 હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, 500 થી વધુ હોમગાર્ડ ના જવાન સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે. આ ઉપરાંત સ્પેશિયલ એક્શન ફોર્સની એક કંપની પણ આવતીકાલે તૈનાત રહેશે. તેઓએ ઉમેર્યું હતું કે, સુરક્ષાને ધ્યાને રાખીને વડોદરા સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરાથી આખા વિસ્તારનું સ્કેનિંગ કરવામાં આવશે. કેટલાક તત્વો પર વીડિયો અનાલીસીસના માધ્યમથી નજર રાખવામાં આવશે. ધાર્મિક તહેવારની ઉજવણીમાં કોઈ વિઘ્ન સંતોષી માણસ બગાડી ન શકે તે માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખવામાં આવશે. તેઓએ કહ્યું કે, અગાઉના સમયમાં ગુનાઓમાં સંડોવાયેલા તત્વો પર ખાસ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત વરઘોડાને લઈને ટ્રાફિક ડાયવર્ઝન અને નો પાર્કિંગનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેથી શહેરીજનોને અમારી અપીલ છે કે, જાહેરનામાનું પાલન કરો અને પોલીસને સહકાર આપો.

Read more

← Back to Home