હિંમતનગરમાં PIB અમદાવાદ દ્વારા રૂરલ મીડિયા વર્કશોપ યોજાયો:પત્રકારો સાથે સીધો સંવાદ, સરકારી યોજનાઓની માહિતી અપાઈ
હિંમતનગરમાં કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો (PIB) અમદાવાદ દ્વારા સાબરકાંઠા જિલ્લાના પત્રકારો માટે એક માહિતીપ્રદ રૂરલ મીડિયા વર્કશોપ “વાર્તાલાપ” તથા ઈન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ (ICOP) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પત્રકારો સાથે સીધો સંવાદ સાધવાનો, સત્તાવાર માહિતીના પ્રવાહને મજબૂત બનાવવાનો અને માહિતી મેળવવામાં આવતા પડકારોને સમજવાનો હતો. પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોના સહાયક નિદેશક સુમન મછારે ઉપસ્થિત મહાનુભાવો અને પત્રકારોનું સ્વાગત સંબોધન દ્વારા સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય વી.ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, પત્રકારો સમાજના પ્રતિબિંબ છે અને તેઓ સમાજના હકારાત્મક તથા નકારાત્મક બંને પાસાઓને જનતા સમક્ષ રજૂ કરે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, વિશ્વસનીય, નિષ્પક્ષ અને સચોટ માહિતીના પ્રસાર દ્વારા લોકશાહીની મૂળભૂત શક્તિ વધુ મજબૂત બને છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત પત્રકારો સરકાર અને જનતા વચ્ચે જીવંત પુલરૂપે કાર્ય કરે છે. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ પોતાના ઉદબોધનમાં પત્રકારત્વને લોકશાહીની ચોથી જાગીર ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, મીડિયા દ્વારા પ્રસારિત થતી સાચી અને પ્રામાણિક માહિતી નાગરિકોમાં જાગૃતિ વધારે છે અને વિકાસલક્ષી યોજનાઓને વધુ અસરકારક બનાવે છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો ગામડાં સુધી પહોંચાડવામાં પત્રકારોનું યોગદાન અમૂલ્ય છે. PIB અમદાવાદના ADG પ્રશાંત પાઠરાબે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને મીડિયા સાથેના સહયોગ અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે પત્રકારો સાથે એક સંવાદ સત્ર યોજાયું હતું. આ સત્રનો મુખ્ય ઉદ્દેશ્ય પત્રકારો સાથે સીધો સંવાદ અને સંપર્ક સાધવાનો, તેમજ સત્તાવાર માહિતી મેળવવામાં તેમને પડતી તકલીફો અને પડકારો સમજવાનો હતો. આ સાથે જ પત્રકારોને લગતી સરકારની વિવિધ યોજનાઓની પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 65થી વધુ પત્રકારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય સંચાર બ્યૂરો પાલનપુર દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ચિત્ર અને ક્વિઝ સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં વિજેતાઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના મીડિયા અને સંચાર અધિકારી ઇન્દ્રવદનસિંહ ઝાલાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક જીગરભાઈ ખૂંટ, PIB સ્ટાફ, માહિતી વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
