Gujarati News

ફેસબુક પર અંજીર વેચવાના બહાને વેપારી સાથે છેતરપિંડી:વેપારીને અંજીરને બદલે ખજૂર મોકલીને પૈસા પરત માંગતા હનીટ્રેપની ધમકી આપી

Published: November 4, 2025 • Language: English

નવસારીના એક વેપારી સાથે ફેસબુક પર સસ્તા અંજીર આપવાના બહાને કુલ ₹5,74,300ની છેતરપિંડી થઈ છે. વેપારીને અંજીરને બદલે ખજૂર મોકલીને પૈસા પરત માંગતા હનીટ્રેપની ધમકી પણ આપવામાં આવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી શૈલેષકુમાર મોહનલાલ ગાંધી (ઉં.વ. 65) નવસારીના છાપરા રોડ પર રહે છે અને મોટા બજારમાં ‘અંબિકા મસાલા ગૃહ’ નામની દુકાન ધરાવે છે. તેમણે ફેસબુક પર અંજીરની જાહેરાત જોઈને આરોપી અન્નુસિંઘ (મો.નં. 7428745579 નો ઉપયોગ કરનાર) નો સંપર્ક કર્યો હતો.2 જુલાઈ, 2024ના રોજ, વેપારીએ ₹1150 અને ₹980 પ્રતિ કિલોના ભાવે કુલ 240 કિલો અંજીરનો ઓર્ડર આપ્યો, જેની કુલ કિંમત ₹2,74,300 હતી. તેમણે એડવાન્સ પેમેન્ટ તરીકે ₹50,000 ચૂકવ્યા હતા. 3 જુલાઈ, 2024ના રોજ, આરોપી અન્નુસિંઘે V.R.L. ટ્રાન્સપોર્ટની રસીદ અને ₹2,74,300નું બિલ વોટ્સએપ પર મોકલીને બાકીની રકમની માંગણી કરી. વેપારીએ વિશ્વાસ રાખીને બાકીના ₹2,74,300 ટ્રાન્સફર કર્યા હતા. 6 જુલાઈ, 2025ના રોજ, ફરિયાદીએ કાજુના 22 બકેટનો ઓર્ડર આપ્યો, જેની કિંમત ₹3,50,000 હતી. આરોપીએ કાજુ મોકલવા માટે વધુ ₹3,00,000ની માંગણી કરી, જે વેપારીએ ટ્રાન્સફર કર્યા. 10 જુલાઈ, 2024ના રોજ, ફરિયાદીએ V.R.L. ટ્રાન્સપોર્ટની નવસારી ઓફિસ ખાતેથી અંજીરના 12 દાગીના (240 કિલો) છોડાવ્યા. દુકાને આવીને બોક્સ ખોલતા અંજીરને બદલે ખજૂર નીકળ્યું હતું. કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલો તમામ માલ પણ ખજૂર હોવાનું માલુમ પડ્યું. વેપારીએ અન્નુસિંઘનો સંપર્ક કરતાં તેણે ગલ્લા-તલ્લા કર્યા અને ખોટું બહાનું આપ્યું. વારંવાર પૈસા પરત માંગતા, આરોપીએ 12 જુલાઈ, 2024ના રોજ માત્ર ₹50,000 પરત મોકલાવ્યા. બાકીના ₹5,74,300 પરત ન આપીને આરોપીએ વાયદાઓ આપવાનું ચાલુ રાખ્યું. 20 જુલાઈ, 2025ના રોજ, આરોપીએ મો.નં. 8472817717 પરથી વોટ્સએપ વિડીયો કોલ કરાવ્યો, જેમાં એક મહિલાએ કપડા ઉતારી નગ્ન વિડીયો કોલ કર્યો અને હનીટ્રેપની ધમકીઓ આપી. આ સમગ્ર ઘટનામાં આરોપી અન્નુસિંઘે ફરિયાદી પાસેથી કુલ ₹6,24,300 લીધા હતા અને ₹50,000 પરત કર્યા હતા, આમ વેપારી સાથે કુલ ₹5,74,300ની છેતરપિંડી થઈ છે.

Read more

← Back to Home