SIR ઝુંબેશ અન્વયે બારકોડેડ ફોર્મ સાથે મતદારયાદી સુધારણા પ્રક્રિયા શરૂ:ગાંધીનગર જિલ્લામાં આજથી ડોર-ટુ-ડોર ઝુંબેશ શરૂ, 1333 BLO કરશે 2.78 લાખ ઘરોનો સર્વે
કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સંદર્ભે આજથી ગાંધીનગર જિલ્લામાં પણ સત્તાવાર રીતે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અન્વયે જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર કુલ મળીને 1333 બૂથ લેવલ ઓફિસર દ્વારા 2.78 લાખ ઘરોનો સર્વે કરવામાં આવશે. ગાંધીનગરમાં મતદાર સુધારણા ઝુંબેશ શરૂ
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સંદર્ભે આજથી ગાંધીનગર જિલ્લામાં પણ સત્તાવાર રીતે આ ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે. જેનો મુખ્ય હેતુ મતદાર યાદીને સંપૂર્ણપણે ભૂલમુક્ત અને અદ્યતન બનાવવાનો છે. હાઉસ-ટુ-હાઉસ સર્વેની આ ઝુંબેશમાં જો કોઈ મતદારનું નામ કે સરનામું વર્ષ 2002ની મતદાર યાદી પ્રમાણે ન હોય તો નવા નામ ઉમેરવા માટે મતદારો કુલ 12 જેટલા અધિકૃત પુરાવાઓ આપી શકશે. 1333 જેટલા BLO ઘરે-ઘરે જઈને સર્વે કરશે
SIR પ્રક્રિયાના પ્રાથમિક તબક્કામાં બારકોડેડ ફોર્મનું પ્રિન્ટિંગ અને બૂથ લેવલ ઓફિસર (BLO)ને તાલીમ આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર કુલ મળીને 1333 જેટલા BLOsને સઘન તાલીમ આપવામાં આવી છે. આ તાલીમબદ્ધ BLOs આજથી 4 ડિસેમ્બર સુધી એટલે કે, એક મહિનાના સમયગાળા દરમિયાન હાઉસ-ટુ-હાઉસ જઈને મતદારોનો સર્વે હાથ ધરશે. આ ઝુંબેશ અંતર્ગત BLOs ખાસ બારકોડેડ ફોર્મ સાથે વર્ષ 2002ની મતદાર યાદીને આધારે જિલ્લાના લગભગ 2.78 લાખ ઘરોની મુલાકાત લેશે. આ સર્વે દ્વારા નવા મતદારોની નોંધણી, મૃત્યુ પામેલા કે સ્થળાંતર કરનારા મતદારોના નામ દૂર કરવા અને અન્ય સુધારા-વધારાની કામગીરી કરવામાં આવશે. 7 ફેબ્રુઆરીએ મતદારની અંતિમ યાદી પ્રસિદ્ધ કરાશે
BLOs દ્વારા મતદારોને ફોટાવાળા યુનિક એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મતદાર દ્વારા આ ફોર્મ ભરાયા બાદ 4 દિવસમાં BLOs તેને પરત લઈ જશે. આ ફોર્મ્સના આધારે 9 ડિસેમ્બરના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. બાદમાં 7 ફેબ્રુઆરીએ અંતિમ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. મતદારો સુધારા માટે 12 પુરાવા આપી શકશે
ચૂંટણીપંચે મતદારોને રાહત આપી છે. આ હાઉસ ટુ હાઉસ સર્વેની આ ઝુંબેશમાં જો કોઈ મતદારનું નામ કે સરનામું વર્ષ 2002ની મતદાર યાદી પ્રમાણે ન હોય તો નવા નામ ઉમેરવા માટે મતદારો કુલ 12 જેટલા અધિકૃત પુરાવાઓ આપી શકશે. જે અંતગર્ત કોઈપણ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પીએસયુના નિયમિત કર્મચારી-પેન્શનરને જારી કરાયેલું કોઈપણ ઓળખ કાર્ડ અથવા પેન્શન પેમેન્ટ ઓર્ડર, જુલાઈ-1987 પહેલાં સરકાર, સ્થાનિક સત્તાવાળાઓ, બેંકો, પોસ્ટ ઓફિસ, એલઆઈસી, પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલું કોઈપણ ઓળખ કાર્ડ, પ્રમાણપત્ર, દસ્તાવેજ માન્ય ગણાશે. આ સિવાય સક્ષમ રાજ્ય સત્તાધિકારી દ્વારા જારી કરાયેલ કાયમી નિવાસી પ્રમાણપત્ર, વન અધિકાર પ્રમાણપત્ર, સરકાર દ્વારા જારી કરાયેલું કોઈપણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર, સક્ષમ સત્તાધિકારી દ્વારા જારી કરાયેલું અથવા અન્ય કોઈપણ જાતિ પ્રમાણપત્ર. શૈક્ષણિક અને અન્ય દસ્તાવેજો, માન્ય બોર્ડ-યુનિવર્સિટીઓ દ્વારા જારી કરાયેલું મેટ્રિક્યુલેશન-શૈક્ષણિક પ્રમાણપત્ર, પાસપોર્ટ, નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ, રાજ્ય-સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા તૈયાર કરાયેલ ફેમિલી રજિસ્ટરનો પણ સમાવેશ કરાયો છે. ઘરે આવનાર BLOsને સહકાર આપવા અપીલ
આ વિવિધ પુરાવાઓ દ્વારા ચૂંટણીપંચે નિયત કરેલા જૂના દસ્તાવેજો ધરાવતા કે અન્ય કોઈ આધારભૂત પ્રમાણપત્ર ધરાવતા નાગરિકો પણ સરળતાથી પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરી શકે છે. BLOsને આ તમામ દસ્તાવેજોની ચકાસણી કરીને નામ ઉમેરવાની પ્રક્રિયા સરળ બનાવવાની તાકીદ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી તંત્રએ તમામ નાગરિકોને તેમના ઘરે આવનાર BLOsને સહકાર આપવા અને ચોક્કસ માહિતી પૂરી પાડવા માટે અપીલ કરી છે, જેથી આખરી મતદાર યાદી સંપૂર્ણપણે ત્રુટિરહિત બની શકે.
