લુણાવાડા પાલિકા પ્રમુખ સામે ભ્રષ્ટાચારનો આરોપ:ભાજપ શાસિત નગરપાલિકામાં વિજિલન્સ ટીમે તપાસ શરૂ કરી
મહીસાગર જિલ્લાની ભાજપ શાસિત લુણાવાડા નગરપાલિકામાં ભ્રષ્ટાચારની રજૂઆતો બાદ વિજિલન્સ તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરથી શહેરી વિકાસના નાયબ કમિશનર અને વડોદરા પ્રાદેશિક કચેરીની ટીમે લુણાવાડા પહોંચી તપાસ હાથ ધરી હતી. પાલિકા પ્રમુખ ડૉ. કીર્તિ પટેલ સામે LED લાઇટ ખરીદી, ટાઈમર સ્વીચ કૌભાંડ અને સ્વિમિંગ પુલમાં બારોબાર ચૂકવણા અંગે ગંભીર આક્ષેપો થયા છે. આરોપ મુજબ, LED માં ₹15 લાખ, ટાઈમર સ્વીચમાં ₹32 લાખ અને સ્વિમિંગ પુલમાં ₹40 લાખ રૂપિયા બારોબાર ચૂકવવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે વિજિલન્સ ટીમે સ્થળ પર તપાસ કરી હતી. ટીમે ત્રણેય કામો સંબંધિત દસ્તાવેજી પુરાવા અને ફાઈલો એકત્રિત કર્યા હતા અને વધુ તપાસ માટે ગાંધીનગર રવાના થઈ હતી. ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભાજપના જ સભ્યો દ્વારા પ્રમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો થતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. લુણાવાડા નગરપાલિકામાં વિજિલન્સ તપાસથી વહીવટી તંત્રમાં પણ હડકંપ જોવા મળ્યો છે.
