બોટાદ જિલ્લામાં રાજપુરા-બોટાદ માર્ગ બિસ્માર:ખાડાઓને કારણે વાહનચાલકો પરેશાન, તાત્કાલિક સમારકામની માંગ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનો રાજપુરાથી બોટાદ જતો મુખ્ય માર્ગ અત્યંત જર્જરિત હાલતમાં છે. આ માર્ગ રાજપુરા, બૂબડી, કુંડળી અને અણીયાળી જેવા ગામોને જોડે છે. મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ પર ઠેર ઠેર મસ મોટા ખાડા પડી ગયા છે. ખાસ કરીને બુબાવાવથી કુંડળી વચ્ચેના માર્ગ પર મોટી સંખ્યામાં ખાડાઓ જોવા મળે છે, જેના કારણે મુસાફરોને ભારે અસુવિધા થાય છે. દરરોજ હજારો લોકો રોજગાર માટે બોટાદ અને રાણપુર તરફ જવા-આવવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. ટુ-વ્હીલર, ફોર-વ્હીલર, ટેમ્પો, રિક્ષા અને સરકારી એસ.ટી. બસ જેવા વાહનો પણ આ માર્ગ પરથી પસાર થાય છે. માર્ગની ખરાબ હાલતને કારણે છેલ્લા થોડા દિવસોમાં અનેક નાના-મોટા અકસ્માતો બન્યા છે. વાહનચાલકોના જણાવ્યા અનુસાર, અણીયાળી કાઠી ગામ નજીક મોટા ખાડાઓને કારણે અત્યાર સુધીમાં 7 થી 10 જેટલા વાહનો અકસ્માતનો ભોગ બન્યા છે. આ વિસ્તારના સરપંચો, સ્થાનિક લોકો અને ખેડૂતોએ તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ કાયમી સમાધાન થયું નથી. અણીયાળી કાઠી ગામ નજીકના ખાડાઓ તો ગ્રામજનોએ જાતે જ પૂર્યા છે, કારણ કે તંત્ર તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી. કુંડળી ગામના સરપંચ બાબુભાઈ મેણીયાએ પણ રસ્તાની સ્થિતિ વિશે માહિતી આપી હતી. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે તંત્ર ફક્ત દેખાવ પૂરતું સમારકામ કરે છે અને જ્યાં ખરેખર જરૂર હોય ત્યાં કામ કરતું નથી. તેઓ માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક રાજપુરાથી બુબાવાવ, કુંડળી, અણીયાળી, કાઠી અને બોટાદ માર્ગનું કાયમી સમારકામ કરે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન બને અને લોકોની મુસાફરી સુરક્ષિત બની રહે.
