Gujarati News

રાણપુર તાલુકા પંચાયતથી કુંભારવાડા રોડ બિસ્માર:મોટા ખાડા, પાણી ભરાવાથી સ્થાનિકો પરેશાન, તાત્કાલિક સમારકામની માંગ

Published: November 4, 2025 • Language: English

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તાલુકા પંચાયત કચેરીથી કુંભારવાડા વિસ્તાર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રોડ પર મોટા ખાડા પડી ગયા છે અને તેમાં પાણી ભરાયેલા રહે છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ કરવામાં આવી રહી છે. આ મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી ખરાબ સ્થિતિમાં છે. સતત વરસાદને કારણે ખાડાઓ વધુ ઊંડા બન્યા છે. વાહનો પસાર થતી વખતે પાણી ઉડવાથી રાહદારીઓ ભીંજાઈ જાય છે, જેના કારણે વારંવાર તકરાર પણ થાય છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ અંગે તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ રોડ તાલુકાના મુખ્ય માર્ગો પૈકીનો એક છે અને દરરોજ હજારો લોકો તથા વાહનો તેનો ઉપયોગ કરે છે. તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા છેલ્લા એક મહિનામાં આ રોડનું બે વખત સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે, બાંધકામની નબળી ગુણવત્તાને કારણે રોડ થોડા જ દિવસોમાં ફરીથી તૂટી ગયો હતો. હાલમાં રોડનું અસ્તિત્વ જ ન હોય તેવી સ્થિતિ છે, જેનાથી આસપાસના દુકાનદારો અને રાહદારીઓ પરેશાન છે. સ્થાનિક રહીશોની માંગ છે કે આ રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અથવા નવો રોડ બનાવવામાં આવે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રાણપુરના વિકાસ માટે રાજકીય નેતાઓ વચ્ચેની ખેંચતાણ અને ઉદાસીનતા જવાબદાર છે. રાણપુર તાલુકા કક્ષાનું ગામ હોવા છતાં વિકાસ કાર્યોમાં પ્રગતિ થતી નથી. કુંભારવાડા વિસ્તારની આ સ્થિતિ અંગે સ્થાનિક અશોકભાઈ બારૈયાએ માહિતી આપી હતી. લોકો આશા રાખી રહ્યા છે કે તંત્ર જલ્દી જ આ માર્ગના સમારકામ માટે પગલાં લે અને રાહદારીઓને રાહત આપે.

Read more

← Back to Home