Gujarati News

કલેક્ટરને ટ્યુશન ક્લાસ એસો.નું આવેદન:પ્રમુખે કહ્યું- ટ્યુશન ક્લાસિસના નવા નિયમથી 10 હજાર શિક્ષકો બેરોજગાર અને 70% ક્લાસ બંધ થઈ જશે, ફેરફારની માગણી

Published: November 4, 2025 • Language: English

બરોડા એકેડેમિક એસોસિએશન દ્વારા આજે (4 નવેમ્બર) ટ્યુશન ક્લાસીસ અધિનિયમ બાબતે વિરોધ નોંઘાવવામાં આવ્યો હતો. બરોડા એકેડેમિક એસોસિએશનની મુખ્ય માંગણી છે કે, 16 વર્ષથી નીચેના બાળકોને ટ્યુશનમાં મૂકવા, વધુ પડતી ફેસિલિટી અને રજિસ્ટ્રેશનના નિયમ અંગે સુધારો કરવામાં આવે. આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી, સરકાર આ બાબતને ધ્યાન લઇ અને નિયમોમાં ફેરફાર કરે તેવી માંગણી કરી હતી. નિયમથી 10 હજાર શિક્ષકો બેરોજગાર થઈ જશેઃ પ્રમુખ
વડોદરા એકેડમિક એસોસિએશનના પ્રમુખ વિપુલ જોશીએ જણાવ્યું કે, આજે અમે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ. ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન ક્લાસ વિરુદ્ધ જે અધિનિયમ લાવવામાં આવ્યો છે, તેના ભાગરૂપે વડોદરામાં ખૂબ મોટું નુકસાન થશે. વડોદરામાં લગભગ 10 હજાર શિક્ષકો બેરોજગાર થઈ જશે અને વડોદરાના 70 ટકા ક્લાસિસ બંધ થઈ જશે. વધુમાં કહ્યું કે, 16 વર્ષથી નીચેના બાળકોને ટ્યુશન નહીં કરાવવાનું આ નિયમ સદંતર ખોટો છે, જેનાથી બાળકોનું ભણતર બગડશે અને તેમને ભણતરમાં મુશ્કેલી પડશે. સરકાર આવો કોઈ નિયમ રજૂ ન કરે એ માટે અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને આ વાત સરકાર સુધી પહોચાડવામાં આવે. ‘હાલનો સિલેબસ સ્કૂલમાં પૂર્ણ કરવો અધરો’
ભૂતકાળમાં ટ્યુશન ક્લાસ એટલા ચાલતા ન હતા તે બાબતે કહ્યું કે, તે સમયે સિલેબસ ખૂબ જ ઓછો હતો અને સ્કૂલમાં સરળતાથી પતી જતો હતો. પરંતુ હાલનો સિલેબસ એટલો વિશાળ છે કે સ્કૂલમાં પણ તેને પૂર્ણ કરવું અઘરું છે. સ્કૂલના નિયમો મુજબ, ધોરણ 7થી 12માં તમામ વિષયો પૂર્ણ કરવા સ્કૂલ માટે અશક્ય છે, તેથી જ વિદ્યાર્થીઓને ટ્યુશન ક્લાસની જરૂર પડે છે. કારણ કે, સ્કૂલમાં પૂરતું શિક્ષણ મળતું નથી, એટલા માટે જ વિદ્યાર્થીઓ અમારી પાસે ટ્યુશન ક્લાસમાં આવે છે. ‘સ્કૂલના શિક્ષકો બાળકોને પૂરો સમય આપી શકતા નથી’
વધુમાં જણાવ્યું કે, અત્યારની વાત એ છે કે બદલાતી પરિસ્થિતિ સાથે ટેક્નોલોજીમાં સતત વધારો થાય છે અને નવા-નવા વિષયો આવે છે. સરકાર પણ સતત નવો સિલેબસ ઉમેરતી રહે છે. એટલે દરેક વસ્તુ દરેક વ્યક્તિ પાસે પતાવવી શક્ય નથી. ટ્યુશન ક્લાસના સંચાલકો નવા આવતા વિષયોને તરત જ અનુસરે છે અને તે મુજબ ભણાવે છે. સ્કૂલના શિક્ષકો પણ ભણાવે છે, પરંતુ તેમની પાસે સરકારી કામગીરીનો ઘણો બોજો હોય છે, જેથી તેઓ બાળકો પર પૂરો સમય આપી શકતા નથી.

Read more

← Back to Home