'દીકરીના નિહાપા…લાગ્યા!':દિલીપ સંઘાણી ટ્વીટથી અનેક તર્ક-વિતર્ક, પ્રતાપ દૂધાતે પાયલ ગોટી કેસ સાથે શબ્દો જોડ્યા; કહ્યું- 'કુદરતે સબક શીખવાડવાનું ચાલુ કર્યું'
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના એક ટ્વીટથી અમરેલીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સંઘાણીએ પોતાના સોશિયલ મીડિયા X પર ‘દિકરીના નિહાપા…લાગ્યા!’ લખતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે આ પોસ્ટને પાયલ ગોટી વિવાદ સાથે જોડી છે. તેમના જણાવ્યા અનુસાર… ‘ટ્વીટ પાયલબેનને લાગુ પડતો પ્રશ્ન’
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે જણાવ્યું કે, દિલીપભાઇનું ટ્વીટ ભારતીય જનતા પાર્ટીના અનુસંધાને હોઇ શકે. ગઇકાલે બુધ્ધી ભ્રષ્ટ થઇ અને એક નિર્દોષ વ્યક્તિને મારી નાખવા સુધીની ધમકીઓ તાલુકા ભાજપના પ્રમુખે આપી. ભૂતકાળમાં પાયલ નામની દીકરીને જેલમાં નાખીને તેના પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો, ત્યારે આ નરાધમો એ અત્યાચાર જોઇ રહ્યા હતા. એટલે એ ટ્વીટ પાયલબેનને લાગુ પડતો પ્રશ્ન છે. આજની તારીખમાં પાયલબેનને ન્યાય અપાવવા હાઇકોર્ટમાં મેટર ચાલુ છે. ‘કુદરતે સબક શીખવાડવાનું ચાલુ કર્યું’
પ્રતાપ દૂધાતે વધુમાં જણાવ્યું કે, ગમે એટલી મોટી સત્તા-સંપત્તીનો પાવર આવે પણ આપણે કુદરતનો ડર રાખવો પડે. પાયલબેન પર જેટલા લોકોએ અત્યાચાર કર્યો એમને સબક શીખવાડવાનું કુદરતે ચાલુ કરી દીધુ છે. બીજુ કે ખેડૂતોને ન્યાય નહીં મળે તો ખેતીની સાથે જોડાયેલા અધિકારીઓ કે મિનિસ્ટરો જે હશે એમને કુદરત પનીસ કરશે. આ પહેલાં પણ કુદરતે એમને દેખાડેલું જ છે. શું છે પાયલ ગોટી વિવાદ વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લખાણ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયું હતું, જેમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના બનાવટી લેટરપેડ પર ખોટી સાઈન કરાઈ હતી. લેટરમાં રેતી, દારૂ જેવા ગેરકાયદે પ્રવૃત્તિમાં હપ્તા કૌશિક વેકરિયા દ્વારા લેવામાં આવતા હોવાના ગંભીર સનસનીખેજ આરોપ લગાવાયા હતા, જેથી અમરેલી જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળતાં અમરેલી પંથકના 100 જેટલા આગેવાનો કૌશિક વેકરિયાના સમર્થકો સમગ્ર ઘટનાને ગુજરાત તાત્કાલિન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને ગાંધીનગર સુધી પહોંચાડી રજૂઆતો કરવામાં આવી હતી. આ દરમિયાન અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરિયાએ ફરિયાદ નોંધાવી હતી. 28મી ડિસેમ્બર 2024ના રોજ ધરપકડ કરાઇ હતી
આ ગુનામાં પોલીસે 28મી ડિસેમ્બર 2024ના રોજ તાલુકા ભાજપના પૂર્વ યુવા પ્રમુખ મનીષ વઘાસિયા, જશવંત ગઢ સરપંચ અશોક માંગરોળિયા, જિતુ ખાત્રા, પાયલબેન ગોટીની ધરપકડ કરી હતી અને આ ચારેય આરોપીને સાથે રાખીને પૂર્વ યુવા ભાજપપ્રમુખની ઓફિસ પર 29મી ડિસેમ્બરે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. અહીં રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળ્યો હતો. ચારેય આરોપીને લઈને પોલીસ પહોંચી ત્યારે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. સમગ્ર મામલે વઘાસિયાએ ભાજપના તાલુકા પ્રમુખ બનવા ષડ્યંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. જે બાદ કોંગ્રેસે આ વિવાદમાં ઝંપલાવ્યું હતું. હાલ આ મામલો હાઇકોર્ટમાં હોવાનું પ્રતાપ દૂધાતે જણાવ્યું છે.
