ભુજમાં ગાંધી શિલ્પ બજારનો પ્રારંભ:હાટ બજારમાં સાંસદ વિનોદ ચાવડાએ ઉદ્ઘાટન કરી વેચાણકર્તાઓને પ્રોત્સાહિત કર્યા
ભુજ શહેરના મુંદરા રોડ પર આવેલા હાટ બજાર સંકુલમાં ગાંધી શિલ્પ બજાર સ્વદેશી મેળાનો પ્રારંભ થયો છે. આ મેળામાં કચ્છી કારીગરો સહિત દેશભરના કારીગરો પોતાના ઉત્પાદનોનું નિદર્શન અને વેચાણ કરી રહ્યા છે. કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરી વેચાણકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સ્વદેશી મેળાનું આયોજન કચ્છ કલ્યાણ સંઘ દ્વારા કરવામાં આવ્યું છે. સમજસેવી દાદુભા સોઢાએ જણાવ્યું કે, આ શિલ્પ બજારમાં કચ્છના હસ્ત કારીગરો ઉપરાંત બિહાર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી કુલ 40 કારીગરો ભાગ લઈ રહ્યા છે. તેઓ સાત દિવસ સુધી હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડ આર્ટ જેવી હાથ બનાવટની વસ્તુઓનું પ્રદર્શન અને સીધું વેચાણ કરશે. આ આયોજનનો મુખ્ય હેતુ ‘લોકલ ફોર વોકલ’ને પ્રોત્સાહન આપવાનો અને હસ્તકલાના કારીગરો તથા જૂની હસ્તકળાને ટકાવી રાખવાનો છે. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે, સરકારના લોક અભિગમથી આવા આયોજનો દ્વારા હસ્ત કારીગરોને તેમની કલા માટે યોગ્ય આવક મળી રહી છે. તેમણે ઉમેર્યું કે, મેળામાં ભાગ લેનાર કારીગરોને પરિવહન ખર્ચ, સાત દિવસ માટે નિઃશુલ્ક દુકાન અને દૈનિક રૂ. 500નું મહેનતાણું પણ ચૂકવવામાં આવશે. અજરખ પ્રિન્ટ ધરાવતા કાપડ અને ડ્રેસ મટિરિયલના વેચાણ માટે આવેલા એક સ્થાનિક વેપારીએ જણાવ્યું કે, આવા સ્વદેશી મેળાથી કારીગરોને ઘણો લાભ થાય છે. ગ્રાહકોને પણ અહીં વ્યાજબી ભાવે મનપસંદ વસ્તુઓ મળી રહે છે, જે તેમના બજેટને અનુકૂળ આવે છે.
