સતલાસણાના સરતનપુર ગામે સીએનજી પંપ પર તકરાર:કારની લાઇન વચ્ચે કાર ઘુસાડવા મુદ્દે બે વાહનચાલકો વચ્ચે મારામારી, સામસામી પોલીસ ફરિયાદ
સતલાસણાના સરતાનપુર ગામે સીએનજી ભરવાની લાઈનમાં વચ્ચે ગાડી ઘુસાડવા મામલે બે વાહનચાલકો વચ્ચે તકરાર સર્જાઈ હતી. જેમાં બંને પક્ષે સામ સામે મારામારી કરાતા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણ થતા સતલાસણા પોલીસે બંને પક્ષની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ આદરી હતી. વાહનોની લાઈનમાં વચ્ચે કાર ઘૂસાડતા માથાકૂટ સર્જાઈ
સતલાસણા તાલુકાના સરતાનપુર ગામે આવેલ સીએનજી પંપ ઉપર સીએનજી ભરાવવા માટે વાહનોની લાઈન લાગી હતી. જે દરમિયાન એક GJO1 KP 1618 નંબરની સ્વીફ્ટ ગાડીના ચાલકે તેની ગાડી લાઈન વચ્ચે ઘુસાડી ગેસ પુરાવવા આવ્યો હતો. જેથી ત્યાં લાઈનમાં ઉભી રહેલ GJ09 BJ 8155 નંબરની ઇકો ગાડીના ચાલકે સ્વીફ્ટ ગાડીના ચાલકને લાઈનમાં વચ્ચે ગાડી ઘુસાડવા મામલે કહેતા બંને વચ્ચે ભારે તકરાર સર્જાઈ હતી. જેમાં સ્વીફ્ટ ગાડીના ચાલકે અન્ય ત્રણ શકસો સાથે મળી ઈકો ગાડીના ચાલકને ધોકા વડે ફાટક મારી માર મારતા હાથે પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ
ઉપરાંત તેમના મોબાઈલ અને ઈકો કારના કાચ તોડી નુકસાન કરાયું હતું. બાદમાં ધમકી આપી આ સ્વીફ્ટ કારમાં આવેલ 4 શખ્સો ફરાર થઈ ગયા હતા. જેથી ઈજાગ્રસ્ત વેટરનરી ડૉકટર એવા ઈડરના વેરાબર ગામના રવીન્દ્રભાઈ રમેશભાઈ પટેલે સારવાર લઈ હુમલાખોર મેઘરાજ ભીખુસિંહ સોલંકી રહે. નવાવાસ સતલાસણા વાળો અને તેના અજાણ્યા 3 સાગરીત મળી કુલ 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સામે સ્વીફ્ટ કારના ચાલક મેઘરાજ સોલંકીએ તેમને દવાખાને જવાની ઉતાવળ હોવાથી પમ્પના સંચાલકને પૂછી તેઓ ગેસ ભરાવવા તેમની કાર લાઈનમાં વચ્ચે લાવ્યા હોવાનું કહેવા છતાં ઈકો કારમાં ચાલકે તેમની સાથે તકરાર કરી માર માર્યા હોવાનો આક્ષેપ લગાવતા ઈકો ચાલક રવીન્દ્રભાઈ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બંને ફરિયાદ આધારે સતલાસણા પોલીસે બંને પક્ષે સામ સામે કુલ 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
