જામનગરમાં કમોસમી વરસાદથી પાક નુકસાનીનો સર્વે પૂર્ણ:જિલ્લા વહીવટીતંત્ર અને ખેતીવાડી વિભાગની 332 ટીમોએ કામગીરી કરી
જામનગર જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે આ અંગે તાત્કાલિક નિર્ણય લીધા હતા. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના નિર્દેશ હેઠળ, જિલ્લા ખેતીવાડી વિભાગે યુદ્ધના ધોરણે આ સર્વે કાર્ય સફળતાપૂર્વક પૂરું કર્યું છે. આ સર્વે માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કુલ 332 ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ જામનગર (ગ્રામ્ય અને શહેર), કાલાવડ, જામજોધપુર, ધ્રોલ, જોડિયા અને લાલપુર સહિતના તમામ તાલુકાઓને આવરી લીધા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ અસરગ્રસ્ત ગામોની રૂબરૂ મુલાકાત લઈને ટીમોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી, ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરી. 2 નવેમ્બર, 2025ની સાંજ સુધીમાં જામનગર (ગ્રામ્ય)ના 100, જામનગર (શહેર)ના 6, કાલાવડના 98, જામજોધપુરના 69, ધ્રોલના 42, જોડિયાના 37 અને લાલપુરના 73 ગામોનો 100 ટકા સર્વે પૂર્ણ કરી દેવાયો છે. જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ. ગોહેલના જણાવ્યા અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં જામનગર જિલ્લાના 425 ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે મગફળી, કપાસ, તુવેર, સોયાબીન અને શાકભાજી સહિત કુલ 3,28,185 હેક્ટરમાં પાકને અસર પહોંચી છે. તાલુકા કક્ષાએ ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારીઓની લાયઝન અને નોડલ અધિકારી તરીકે નિમણૂક પણ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં ચાલુ ખરીફ ઋતુમાં કુલ 3,47,066 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. હાલમાં ગ્રામસેવકો અને તલાટી કમ મંત્રીઓ દ્વારા ખેતરોની મુલાકાત લઈને ખેડૂતોને થયેલી નુકસાની અને પાકની વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ તમામ માહિતીનો અહેવાલ તાત્કાલિક રાજ્ય સરકારને મોકલવાની કામગીરી ચાલી રહી છે, જેથી ખેડૂતોને ઝડપથી સહાય મળી શકે.
