વલસાડમાં કમોસમી વરસાદથી 51,230 હેક્ટર પાકને નુકસાન:નુકસાનીનો સર્વે પૂર્ણ કરાયો, ખેડૂતોને રૂ. 25 કરોડથી વધુની સહાય ચૂકવવાનો અંદાજ મૂક્યો
વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જિલ્લાના અંદાજિત 51,230 હેક્ટર વિસ્તારમાં પાકને અસર થઈ છે. રાજ્ય સરકારે નુકસાનીનો સર્વે પૂર્ણ કર્યો છે અને ખેડૂતોને રૂ. 25 કરોડથી વધુની સહાય ચૂકવવાનો અંદાજ મૂક્યો છે. જિલ્લામાં કુલ 73,766 હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું. સર્વેના આંકડા મુજબ, 33 ટકા કે તેથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર 12,518 હેક્ટર નોંધાયો છે, જેનાથી 19,156 ખેડૂતો સીધી રીતે પ્રભાવિત થયા છે. જિલ્લા ખેતીવાડી વિભાગના નેતૃત્વ હેઠળ કુલ 98 ટીમો અને 25 અધિકારીઓ દ્વારા ફિઝિકલ અને સેટેલાઇટ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 31,409 હેક્ટર વિસ્તારમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે, જ્યારે બાકીના વિસ્તારોમાં કામગીરી ઝડપથી ચાલી રહી છે. આ નુકસાન માટે રૂ. 25 કરોડથી વધુની સહાય ચૂકવણીનો અંદાજ છે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ખેડૂતોને રાહત પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે. વલસાડ જિલ્લાના તમામ છ તાલુકામાં SDRF (રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ) ની જોગવાઈઓ હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે તંત્ર સતર્કતાપૂર્વક કાર્યરત છે.
