આણંદમાં સંકેત ઈન્ડિયાના ગોડાઉનમાં ભીષણ આગ:ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બળીને ખાખ, લાખો રૂપિયાના નુકસાનની આશંકા
આણંદના લાંભવેલ રોડ પર આવેલા સંકેત ઈન્ડિયાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાની જાણ થતાં જ આણંદ, બોરસદ અને નડિયાદ ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે મોટા પાયે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં લાખો રૂપિયાના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
સંકેત ઈન્ડિયાનો લાંભવેલ રોડ પર એક મોટો શો-રૂમ આવેલો છે, જ્યાં ટીવી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન અને ઘરઘંટી જેવા તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું વેચાણ થાય છે. શો-રૂમમાં વધારાનો સ્ટોક લાંભવેલ નજીક આવેલા આ ગોડાઉનમાં રાખવામાં આવતો હતો. આ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સાત ફાયર ફાઈટર આગ બુઝાવવાના કાર્યમાં જોડાયા
આગની જાણ થતાં જ આણંદ ફાયરબ્રિગેડની ચાર ફાયર ફાઈટર સાથેની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, આગની તીવ્રતા વધુ હોવાથી બોરસદ અને નડિયાદ ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. કુલ સાત ફાયર ફાઈટર આગ બુઝાવવાના કાર્યમાં લાગેલા છે. હાલમાં આગ પર 90 ટકા કાબૂ મેળવી લેવાયો
ફાયરબ્રિગેડની ટીમે શરૂઆતમાં ગોડાઉનના દરવાજા અને બારીઓમાંથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પૂરતો નહોતો. આગ પર વધુ અસરકારક રીતે કાબૂ મેળવવા માટે જેસીબી મશીન વડે ગોડાઉનની દિવાલ તોડવામાં આવી હતી. હાલ ફાયરબ્રિગેડની ટીમ ગોડાઉનની ચારેય બાજુએથી પાણીનો મારો ચલાવી રહી છે. જોકે, હાલમાં આગ પર 90 ટકા કાબૂ મેળવી લેવાયો છે. મોટાભાગના ઉપકરણો બળીને ખાખ
આ ગોડાઉનમાં મોટી માત્રામાં એસી, ટીવી, ફ્રિજ સહિતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો સંગ્રહિત હતા. આગને કારણે મોટાભાગના ઉપકરણો બળીને નષ્ટ થઈ ગયા છે, જેના પરિણામે લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેની તપાસ ચાલી રહી છે. આ અંગે ફાયર ઓફિસર ધર્મેશ ગોર જણાવે છે કે, સંકેત ઈન્ડિયાના ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ મળતાં, આણંદ ફાયરબ્રિગેડની એક ટીમ તાત્કાલિક રવાના થઈ હતી. પણ આગ વધુ હોવાથી બીજા અમારા જે ફાયર ફાઈટર હતાં તે બધી જ ગાડીઓ મોકલી દીધી હતી. વધુ જરૂરિયાત પડતાં અમે નડિયાદ તથા બોરસદથી ફાયર ફાઈટર મંગાવ્યું હતું. આગ અત્યારે લગભગ કંટ્રોલમાં આવી ગયેલ છે. ગોડાઉનમાં ફ્રિજ-ટીવી સહિતની વસ્તુઓ હતી, જે આગમાં સંપૂર્ણ સળગી ગયેલ છે. ગોડાઉનમાં જે મલબો પડ્યો છે તેને હટાવીને હાલ આગ ઓલવવાનું ચાલું છે.
