Divya Bhaskar

નાનાપોંઢામાં ગાંજાના છોડ સાથે આરોપી ઝડપાયો:SOGની કાર્યવાહી, કોર્ટે મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

Published: November 4, 2025 • Language: English

વલસાડ જિલ્લાના નાનાપોંઢા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડખંભા ગામમાંથી ગેરકાયદેસર રીતે વાવેલા ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નાનાપોંઢા પોલીસની ટીમે આરોપીને ધરમપુર કોર્ટમાં રજૂ કરીને કોર્ટ પાસેથી આરોપીના મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વલસાડ SOGની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. SOGના એએસઆઇ સયદભાઇ બાબનભાઇ અને હેડકોન્સ્ટેબલ પ્રમોદ શાલીગ્રામે મળેલી બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું. બાતમી મુજબ, વડખંભા ગામના 40 વર્ષીય વિજયભાઇ બિસ્તુભાઇ ગાંવિતે પોતાના ઘરની બાજુમાં આવેલા વાડામાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ વાવ્યા હતા. બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડતા આરોપી વિજય ગાંવિત હાજર મળી આવ્યા હતા. તપાસ દરમિયાન વાડામાંથી કુલ 24 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું વજન 18.550 કિલોગ્રામ અને બજાર કિંમત આશરે રૂ. 9,27,500 થાય છે. આ ઉપરાંત, આરોપી પાસેથી રૂ. 5 હજારની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ રૂ. 9,32,500 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે આરોપી વિજય ગાંવિત વિરુદ્ધ NDPS એક્ટ, 1985 ની કલમ 8બી), (સી), 20(એ) તથા 20(બી)(II)(B) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ધરમપુર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપી ગાંજાનો શું ઉપયોગ કરવા માંગતો હતો, તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને પુરવઠાનો સ્ત્રોત ક્યાંથી છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

← Back to Home