પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે:અમેરિકાને પણ ફરી પરમાણુ પરીક્ષણની જરૂર, અમારી પાસે દુનિયાને 150 વખત ઉડાવી શકાય એટલી તાકાત: ટ્રમ્પે વાત વાતમાં મોટી વાત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે પાકિસ્તાન પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે. તેણે રવિવારે CBS ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં આ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાને ફરીથી પરમાણુ પરીક્ષણ શરૂ કરવાની જરૂર છે. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકા પાસે એટલાં પરમાણુ હથિયાર છે કે દુનિયાને 150 વખત નષ્ટ કરી શકાય છે, પરંતુ રશિયા અને ચીનની પ્રવૃત્તિઓને કારણે પરીક્ષણ કરવાં જરૂરી છે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે નોર્થ કોરિયા સિવાય કોઈ પરમાણુ પરીક્ષણો કરી રહ્યું નથી, તો તમે શા માટે કરી રહ્યા છો? ત્યારે તેમણે જવાબ આપ્યો કે રશિયા, પાકિસ્તાન અને ચીન પણ ગુપ્ત પરીક્ષણો કરી રહ્યા છે, પરંતુ દુનિયાને ખબર પડતી નથી. ટ્રમ્પે પહેલાંથી જ રક્ષા મંત્રાલય (પેન્ટાગોન)ને તાત્કાલિક પરમાણુ હથિયારોનું પરીક્ષણ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે પરમાણુ પરીક્ષણ સહિત અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ચેતવણી આપી છે કે જો તે તાઇવાન પર હુમલો કરશે તો તેણે ગંભીર પરિણામો ભોગવવાં પડશે. જો તાઇવાન પર હુમલો થાય છે, તો તેઓ (શી જિનપિંગ) જાણે છે કે એનો જવાબ શું હશે. તેમણે અમારી મુલાકાતમાં એની ચર્ચા કરી નહીં, કારણ કે તેઓ પરિણામો જાણે છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે શી જિનપિંગે તેમને ભરોસો આપ્યો હતો કે જ્યાં સુધી ટ્રમ્પ રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી ચીન તાઇવાન પર નિયંત્રણ મેળવવા માટે કોઈ લશ્કરી કાર્યવાહી કરશે નહીં. ટ્રમ્પનો દાવો છે કે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ચીને ક્યારેય તાઇવાન પર હુમલો કરવાની હિંમત કરી ન હતી, કારણ કે તેને અમેરિકાના મજબૂત પ્રતિક્રિયાનો ડર હતો. પુતિન અને શી જિનપિંગ- ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પ્રશંસા કરી છે. એક ઇન્ટરવ્યુમાં જ્યારે પૂછવામાં આવ્યું કે પુતિન અને શી જિનપિંગમાં કોનો સામનો કરવો વધુ મુશ્કેલ છે, ત્યારે ટ્રમ્પે કહ્યું બંનેની સામે મુશ્કેલ છે, બંને સ્માર્ટ છે. આ એવા લોકો છે, જેમની સામે રમત રમી શકાય નહીં. તેઓ મજાક માટે બેઠા હોતા નથી. તેઓ ગંભીર અને મજબૂત નેતાઓ છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ- ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પે કહ્યું, ભારત અને પાકિસ્તાન પરમાણુ યુદ્ધના કગાર પર હતા. પાકિસ્તાની વડાપ્રધાને ઊભા થઈને કહ્યું હતું, “જો હું વચ્ચે ન પડ્યો હોત તો લાખો લોકોએ જીવ ગુમાવ્યા હોત. ટ્રમ્પે કહ્યું હતું કે મારી દખલગીરી બાદ જ પરિસ્થિતિ શાંત થઈ અને બંને દેશો વચ્ચેની લડાઈ બંધ થઈ. આ પહેલીવાર નથી જ્યારે તેમણે આ દાવો કર્યો હોય; તેઓ અત્યારસુધીમાં 70થી વધુ વખત આ દાવો કરી ચૂક્યા છે. અમેરિકા અને ચીનના રક્ષામંત્રીઓએ તાઇવાન મુદ્દા પર ચર્ચા કરી યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે 31 ઓક્ટોબરના રોજ મલેશિયામાં ચીનના ડિફેન્સ સેક્રેટરી એડમિરલ ડોંગ જુન સાથે વાત કરી હતી. તેમણે તાઇવાન અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની વધતી લશ્કરી પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શક્તિ સંતુલન જાળવી રાખશે અને તેનાં હિતોનું રક્ષણ કરશે. હેગસેથે સમજાવ્યું કે અમેરિકા સંઘર્ષ ઇચ્છતું નથી, પરંતુ તેની લશ્કરી હાજરી મજબૂત રાખશે. તેના જવાબમાં ચીનના રક્ષામંત્રી ડોંગ જુને કહ્યું હતું કે અમેરિકાએ તાઇવાન મુદ્દા પર સાવધાનીપૂર્વક કાર્ય કરવું જોઈએ અને તાઇવાનની સ્વતંત્રતાને સમર્થન આપવાનું ટાળવું જોઈએ. રશિયા ચીનને તાઇવાન પર હુમલો કરવાની ટ્રેનિંગ આપી રહ્યું છે બ્રિટિશ ડિફેન્સ થિંક ટેન્ક રોયલ યુનાઇટેડ સર્વિસીઝ (RUSI)એ દાવો કર્યો છે કે રશિયા તાઇવાન પર ‘હવાઈ હુમલો’ કરવા માટે ચીની પેરાટ્રૂપર્સને ટેન્ક, હથિયાર અને ટેકનોલોજી પૂરી પાડી રહ્યું છે. RUSIએ 800 પાનાંના લીક થયેલા દસ્તાવેજને ટાંકીને આ ખુલાસો કર્યો છે. આ દસ્તાવેજો મુજબ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમની સેના, PLAને 2027 સુધીમાં તાઇવાન પર હુમલો કરવા માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. પીએલએ પેરાટ્રૂપર્સને રશિયામાં સિમ્યુલેટર અને ટ્રેનિંગ સાધનોનો ઉપયોગ કરીને ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યાર બાદ ચીનમાં એકસાથે ટ્રેનિંગ આપવામાં આવશે, જ્યાં રશિયન સૈન્ય લેન્ડિંગ, ફાયર કન્ટ્રોલમાં ટ્રેનિંગ આપશે. ચીન તાઇવાનને પોતાનો પ્રદેશનો ભાગ માને છે ચીન તાઇવાનને પોતાના પ્રદેશનો ભાગ માને છે, જ્યારે તાઇવાન પોતાને એક સ્વતંત્ર દેશ માને છે. ચીન અને તાઇવાન વચ્ચેનો આ વિવાદ 73 વર્ષથી ચાલી રહ્યો છે. ખરેખર તાઇવાન અને ચીન વચ્ચે પ્રથમ કનેક્શન 1683માં થયું હતું. તાઇવાન એ સમયે કિંગ રાજવંશ હેઠળ હતું. 1894-95માં પ્રથમ ચીન-જાપાની યુદ્ધ દરમિયાન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તાઇવાનની ભૂમિકા સામે આવી. જાપાને કિંગ રાજવંશને હરાવ્યો અને તાઇવાન પર વસાહત બનાવી. આ હાર બાદ ચીન ઘણા ભાગોમાં વિભાજિત થઈ ગયું. થોડાં વર્ષો પછી ચીનના અગ્રણી નેતા સન યાટ-સેને 1912માં ચીનને એક કરવાના ઉદ્દેશ સાથે કુઓ મિંગતાંગ પાર્ટી બનાવી. જોકે ચીન પ્રજાસત્તાક માટેનું તેમનું અભિયાન સંપૂર્ણ રીતે સફળ થાય એ પહેલાં જ 1925માં તેમનું મૃત્યુ થયું. આ પછી કુઓ મિંગતાંગ પાર્ટી બે જૂથોમાં વિભાજિત થઈ ગઈ: રાષ્ટ્રવાદી પક્ષ અને સામ્યવાદી પક્ષ. રાષ્ટ્રવાદી પક્ષ વધુ જાહેર અધિકારોની તરફેણ કરતો હતો, જ્યારે સામ્યવાદી પક્ષ સરમુખત્યારશાહીમાં માનતો હતો. આનાથી ચીનમાં ગૃહયુદ્ધ શરૂ થયું. 1927માં બંને પક્ષો વચ્ચે હત્યાકાંડ થયો. શાંઘાઈમાં હજારો લોકો માર્યા ગયા. આ ગૃહયુદ્ધ 1927થી 1950 સુધી ચાલ્યું. જાપાને આનો ફાયદો ઉઠાવ્યો અને ચીનના મુખ્ય શહેર મંજુરિયા પર કબજો કર્યો. ત્યાર બાદ બંને પક્ષોએ જાપાન સામે લડવા માટે દળો ભેગા કર્યા અને બીજા વિશ્વયુદ્ધ (1945)માં જાપાનથી મંજુરિયાને સફળતાપૂર્વક પાછું કબજે કર્યું. બાદમાં જાપાને તાઇવાન પરનો પોતાનો દાવો છોડી દીધો. આ પછી બંને પક્ષો વચ્ચે ફરી તકરાર શરૂ થઈ. પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના અને રિપબ્લિક ઓફ ચાઇના, એટલે કે ચીન અને તાઇવાન. ચીન પર સામ્યવાદી પક્ષ એટલે કે માઓ ત્સે તુંગનું શાસન હતું, જ્યારે તાઇવાન પર રાષ્ટ્રવાદી કુઓ મિતાંગ એટલે કે ચિયાંગ કાઇ-શેકનું શાસન હતું. બંને પક્ષો વચ્ચે સમગ્ર ચીનના નિયંત્રણ માટે યુદ્ધ શરૂ થયું. રશિયાની મદદથી સામ્યવાદીઓ જીતી ગયા અને ચિયાંગ કાઇ-શેકને તાઇવાન સુધી સીમિત કરી દીધો. ખરેખર તાઇવાન ટાપુ બીજિંગથી 2,000 કિલોમીટર દૂર છે. માઓની નજર હજુ પણ તાઇવાન પર હતી અને તેઓ એને ચીનમાં એકીકૃત કરવા માટે કટિબદ્ધ હતા. સમયાંતરે સંઘર્ષો શરૂ થયા, પરંતુ ચીન સફળ થઈ શક્યું નહીં, કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સ તાઇવાનની પાછળ હતું. કોરિયન યુદ્ધ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સે તાઇવાનને તટસ્થ જાહેર કર્યું.
