અમદાવાદ મનપાના નેતા વિપક્ષને ધમકી આપનાર સામે ફરિયાદ:ચંડોળા તળાવમાં ગેરકાયદે ઝૂંપડા અને વીજળી આપનાર રફીક શેખે 2 કરોડ અને ફ્લેટની માગ કરી
અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે ઝૂંપડાઓમાં ગેરકાયદે વીજળી અને પાણીનું કનેક્શન આપનાર રફીક ઉર્ફે વેપારી શેખ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણે આ ડિમોલિશન કરાવ્યુ હોવાના આક્ષેપ કરીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા રફીકે વીડિયો બનાવીને સોશ્યલ મિડીયામાં વાયરલ કર્યા હતા. 100 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવાની ધમકી આપીને રફીકે બે કરોડ અને ત્રણ રૂમવાળો ફ્લેટ અને બે મસ્જિદોના વહીવટની માંગણી કરી હતી.આ અંગે શહેઝાદખાને શખ્સ સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેઝાદખાન પઠાણે પોલીસ ફરિયાદ નોંધાવી
શાહઆલમમાં રહેતા દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર તથા વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં રફીક ઉર્ફે વેપારી શેખ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તાજેતરમાં થયેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવના ડિમોલિશન કરવામાં આવ્યુ હતુ. જેમાં રફીક શેખ રહેતો હતો. અને તેને ગેરકાયદેસર ઝુંપડા, પાણીની લાઇન અને લાઇટ લીધી હતી. જે-તે સમયે વીજચોરીના ગુના નોધાયા હતા. ત્યારે ડિમોલેશનને લઇને તેની આવક બંધ થઇ ગઇ હતી. ચંડોળા તળાવનું ડિમોલેશન શહેઝાદખાને કરાવ્યુ છે તેવા વીડિયો બનાવ્યા હતા અને જેમાં તેમાં બિભત્સ ગાળો અને ધમકી આપી અને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા. જેથી અગાઉ શહેઝાદખાને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. તેમ છતા રફીકે કોર્પોરેટર અને વિરોધપક્ષના નેતાની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવા વીડિયો બનાવી ફરીથી વાઇરલ કર્યા હતા. જેથી શહેઝાદખાન વતી તેના મિત્ર ઇમરાન મકરાણી રફીક શેખને મળવા ગયા હતા. ત્યારે રફીક શેખે બે કરોડ રોકડા અને શાલીમાર ખાતે ત્રણ રૂમવાળો ફ્લેટ અને બે મસ્જિદોના વહીવટની માંગણી કરી હતી. રફીકે ધમકી આપી હતી કે જો આ માંગણી પૂરી નહિ કરે તો શહેઝાદખાન વિરુદ્ધના વીડિયો બનાવીને હેરાન કરશે. કરોડોનું નુકસાન પહોંચાડવાની ધમકી આપી
આ મુલાકાત બાદ પણ રફીકની માગણી ન સંતોષાતા તેણે વીડિયો બનાવીને શહેઝાદખાનને 100 કરોડનું નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. આ અંગે શહેઝાદખાને રફીક સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
