વાપીમાં રેન્જ IGની અધ્યક્ષતામાં લોક સંવાદ:માર્ગ અકસ્માત, કાયદો વ્યવસ્થા પર ઉદ્યોગકારો સાથે ચર્ચા
વલસાડ જિલ્લાના વાપી સ્થિત VIA હોલ ખાતે રેન્જ IGના અધ્યક્ષ સ્થાને એક લોક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંવાદમાં વાપીના ઉદ્યોગકારો અને અગ્રણીઓએ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન વલસાડ જિલ્લામાં માર્ગ અકસ્માતોને અટકાવવા માટેના સહિયારા પ્રયાસો અને કાયદો વ્યવસ્થાની જાળવણી જેવા મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગકારોને તેમની કંપનીઓમાં રાખવામાં આવતા કામદારોની યોગ્ય નોંધણી કરવા અને પોલીસ NOC સહિતની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, GIDC વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી કનડગત અંગે વલસાડ જિલ્લા પોલીસને યોગ્ય માહિતી મેળવી તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. વધતા જતા સાયબર ક્રાઈમના ગુનાઓ પર અંકુશ લાવવા અને નાગરિકોને જાગૃત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કોઈપણ વ્યક્તિ અધિકારી કે અન્ય કોઈની ધમકી આપી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અને આવા સાયબર ફ્રોડથી બચવા પ્રયાસ કરવા અપીલ કરવામાં આવી હતી.
