ઓઢવ સ્મશાનના કોન્ટ્રાક્ટર AMC દોડ્યા:શહેરના તમામ સ્મશાન ગૃહોમાં હવે સંબંધિત ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરની પણ જવાબદારી રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઓઢવ સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયામાં લાકડાની સાથે ટાયર સળગાવવાની ઘટના બાદ પ્રિન્સિપલ કમિશનર દ્વારા શહેરના તમામ સ્મશાન ગૃહોમાં સુપરવિઝનથી લઈને તમામ કામગીરી 3 અધિકારીઓ વચ્ચે વહેંચી દીધી છે. સ્મશાનની વિભાગની જવાબદારી સંભાળતા એક જ અધિકારી દ્વારા જ તમામ સ્મશાનમાં વિઝીટ કરવામાં આવતી હતી. જોકે હવે 3 અધિકારીઓને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે. સ્મશાન ગૃહોમાં સુપરવિઝનથી તમામ કામગીરી 3 અધિકારીઓ વચ્ચે વહેંચી
શહેરના તમામ સ્મશાન ગૃહોમાં તમામ વહીવટી અને સુપરવિઝનની કામગીરી ડો. ભાવિન જોશીને કરવાની રહેશે. સ્મશાન ગૃહોના સંકલન અને વહીવટની કામગીરી ડો. મેહુલ આચાર્ય પાસે રહેશે. જ્યારે તમામ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરોએ પણ પોતાના ઝોનમાં આવેલા સ્મશાન ગૃહોની વહીવટી અને મોનિટરિંગ કરવાનું રહેશે. આ કામગીરી યોગ્ય રીતે થાય તે માટે ડો. ભાવિન જોષીને સપ્તાહમાં એક બેઠક યોજવા સુચના અપાઇ છે. જેમાં સંચાલન અને સંકલન તથા વહીવટી બાબતોની સમિક્ષા કરવાની રહેશે. તેમજ જરૂર જણાય શિક્ષાત્મક પગલા લેવા માટે પણ સુચના અપાઇ છે. સ્મશાન ગૃહનો કોન્ટ્રાક્ટ ધરાવનારા પૂર્વ કોર્પોરેટર AMC દોડ્યા
બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઓઢવ સ્મશાનગૃહમાં અંતિમ ક્રિયામાં ટાયરનો ઉપયોગ કરવા અંગેના વિવાદ બાદ સ્મશાન ગૃહનો કોન્ટ્રાક્ટ ધરાવનારા એવા પૂર્વ કોર્પોરેટર આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી દાણાપીઠ ખાતે દોડી આવ્યા હતાં. જ્યાં તેમણે કેટલાક નેતાઓની મુલાકાત લઇ તેમની તરફનો પક્ષ મૂકી સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ સાંજના સમયે આવતાં કેટલાક નેતાઓએ તો તેમને ઔપચારિક રીતે મળવાનું પણ ટાળ્યું હોવાનું જાણવા મળે છે.
