ગાંધીનગર મહાનગર પાલિકા કચેરીના કામકાજ ખોરંભે ચડ્યાની રાવ:114 આઉટસોર્સિંગ ક્લાર્ક છૂટા કર્યાં પણ નવી ભરતીને કામગીરી સોંપાઈ નહીં, બે દિવસથી અનેક ટેબલો ખાલી
ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં છેલ્લા બે દિવસથી વહીવટ ખોરંભે ચઢ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. આંતરિક સંકલનના અભાવે મ્યુનિસિપલ તંત્રે જૂના આઉટસોર્સિંગ સ્ટાફને છૂટા કરી દીધા છે. પરંતુ કાયમી ભરતીમાં પસંદ થયેલા નવા કર્મચારીઓને હજી સુધી સત્તાવાર રીતે ફરજ પર ગોઠવ્યાં નથી. પરિણામે વિવિધ શાખાઓમાં 114 જેટલાં ટેબલો ખાલી પડતા દૈનિક કામગીરી ખોરંભે ચડી હોવાની ફરિયાદો ઉઠી છે. 30 ઓક્ટોબરે 114 જુનિયર ક્લાર્કને છૂટા કર્યા હતા
ગાંધીનગર મનપા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 30 ઓક્ટોબરે ડેપ્યુટી કમિશનરે આઉટસોર્સિંગ એજન્સીને પત્ર પાઠવી 1 નવેમ્બરથી 114 જુનિયર ક્લાર્કને છૂટા કરવા જણાવ્યું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે, જે ક્લાર્કને છૂટા કરવાના હતા તેમને 31 ઓક્ટોબરના રજાના દિવસે યોજાયેલા સરકારી ઉત્સવમાં હાજર રખાયા હતાં. મનપા ભરતીમાં પસંદ થયેલા નવા ઉમેદવારોની રૂબરૂ ચકાસણી
જોકે સરકારી ઉજવણી પૂરી થયા બાદ આ કર્મચારીઓને જાણ થઈ કે સોમવારથી તેઓ બેરોજગાર થઈ રહ્યા છે. જેના કારણે જુના સ્ટાફમાં નારાજગી વ્યાપી ગઈ છે. આઉટસોર્સિંગ સ્ટાફને છૂટા કરવાની સાથે જ મનપા દ્વારા ભરતી પ્રક્રિયામાં પસંદ થયેલા નવા ઉમેદવારોની રૂબરૂ ચકાસણી હાથ ધરાઈ હતી. નવા ક્લાર્કની કઈ શાખામાં નિમણૂક થઈ તે અંગેનો સત્તાવાર હુકમ નથી!
જેમને ફરજ પર હાજર કરવાની કામગીરી શનિવાર અને સોમવારે ચાલી હતી. જો કે, હાજર કરાયેલા ક્લાર્કમાંથી કોઈને પણ કઈ શાખામાં નિમણૂક થઈ છે તે અંગેનો સત્તાવાર હુકમ કરવામાં આવ્યો નથી. જેના કારણે સત્તાવાર રીતે હાજર થયા હોવા છતાં નવા કર્મચારીઓ મનપાની કામગીરીમાં મદદરૂપ થઈ શકતા નથી. બેવડી ગેરવ્યવસ્થાને કારણે મનપાનો વહીવટી તંત્ર લગભગ ઠપ્પ
આ બેવડી ગેરવ્યવસ્થાને કારણે મનપાનો વહીવટી તંત્ર લગભગ ઠપ્પ થઈ ગયો છે. કેમકે મનપામાં ફરજ બજાવતા દરેક કર્મચારીને ઓનલાઈન કામગીરી માટે યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવે છે. જુના જુનિયર ક્લાર્કને છૂટા કરી દેવાતા તેમના યુઝર આઈડી નકામા થઈ ગયા છે. બીજી તરફ નવા જુનિયર ક્લાર્કની કચેરી કે શાખા નક્કી ન થતાં તેમના યુઝર આઈડી અને પાસવર્ડ બની શક્યા નથી. આ સ્થિતિમાં ફાઈલોને આગળ વધારવા સુધીની ડિજિટલ કામગીરી પણ અટકી પડતાં સમગ્ર ડિજિટલ વહીવટને અસર થઈ છે. શાખા-કચેરીની ફાળવણી ન થતાં મનપા કચેરીમાં બેસી રહ્યા
જ્યારે જુનિયર ક્લાર્કની ભરતીમાં પસંદગી પામેલા ઘણા યુવક-યુવતીઓ રાજ્યના દૂર-દૂરના શહેરોમાંથી ગાંધીનગર આવ્યા છે. તેમના પરિવારજનો પણ છે. તેમની રૂબરૂ ચકાસણી થઈ ગઈ છે, પરંતુ શાખા-કચેરીની ફાળવણી ન થતાં તેઓ શનિવારથી સોમવાર સુધી મનપા કચેરીમાં બેસી રહ્યા હતા.
