બોટાદ હોસ્પિટલ જર્જરિત, છત પરથી પોપડા પડતાં મહિલા ઇજાગ્રસ્ત:ઇમરજન્સી અને ડિલિવરી વોર્ડમાં દર્દીઓ ભયભીત, નવી ઇમારતની માગ
બોટાદની સોનાવાલા જનરલ હોસ્પિટલની જર્જરિત ઇમારતને કારણે એક ગર્ભવતી મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. ડિલિવરી વોર્ડમાં છત પરથી પોપડો પડતાં મહિલાને પેટ અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાએ હોસ્પિટલની ખરાબ હાલતનો પર્દાફાશ કર્યો છે. ભદ્રાવડી ગામની એક મજૂરી કામ કરતી ગર્ભવતી મહિલાને ડિલિવરી માટે સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રસુતિ વિભાગમાં દાખલ થયા બાદ છત પરથી મોટો પોપડો સીધો તેના પર પડ્યો હતો, જેના કારણે તેને પેટ અને હાથમાં ઈજા થઈ હતી. બાળકની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બોટાદની સોનાવાલા હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે, તેમ છતાં અહીં સાધન સુવિધા અને તબીબી સારવાર અંગે દર્દીઓ દ્વારા અવારનવાર સવાલો ઉભા કરવામાં આવે છે. આ ઘટનાએ ફરી એકવાર હોસ્પિટલની માળખાકીય ખામીઓ ઉજાગર કરી છે. હોસ્પિટલની ઇમારત અત્યંત જર્જરિત હાલતમાં છે. ઇમરજન્સી અને ડિલિવરી વોર્ડ સહિતના વિસ્તારોમાં છત પરથી પોપડા પડવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. જર્જરિત છતને ઢાંકવા માટે ઉપરના માળે થર્મોકોલ સીલિંગ લગાવવામાં આવી છે, પરંતુ તેમ છતાં પોપડા પડવાનું અને છતની તિરાડોમાંથી વરસાદી પાણી ટપકવાનું ચાલુ રહે છે, જેનાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઘટના બાદ તાત્કાલિક જૂની અને જર્જરિત હોસ્પિટલની ઇમારતને તોડી પાડી નવી ઇમારત બનાવવાની માંગ ઉઠી છે. ભદ્રાવડી ગામના સરપંચ જીગ્નેશ પટેલે મીડિયાને આ અંગેની માહિતી આપી હતી અને દર્દીઓના જીવ જોખમમાં હોવાનું જણાવ્યું હતું.
