Gujarati News

બરડાના સિંહોના સંરક્ષણ માટે પ્રથમ બેઠક યોજાઈ:એશિયાટિક લાયન કન્ઝર્વેશન સોસાયટીએ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી

Published: November 3, 2025 • Language: English

બરડા અભયારણ્યમાં વસવાટ કરતા એશિયાટિક સિંહોના સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે એશિયાટિક લાયન કન્ઝર્વેશન સોસાયટીની પ્રથમ બેઠક રાણાવાવના નિર્વાણધામ આશ્રમ ખાતે યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સિંહોના રક્ષણ માટેના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવાનો હતો. આ સંસ્થા સિંહો, સ્થાનિક સમાજ, પોરબંદર વન વિભાગ અને રાજ્ય સરકાર વચ્ચે એક કડી તરીકે કાર્ય કરશે. સોસાયટીમાં 50 જેટલા સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં નિવૃત્ત વન અધિકારીઓ, વાઇલ્ડલાઇફ નિષ્ણાતો અને પ્રકૃતિ પ્રેમીઓનો સમાવેશ થાય છે. બેઠકમાં બરડા અભયારણ્ય (192.32 ચો.કિમી.)ને વધુ સુરક્ષિત બનાવવા, પોરબંદર ફોરેસ્ટ ડિવિઝનમાં લાંબા સમયથી ખાલી પડેલા તમામ સ્ટાફ પદો ભરવા અને માલધારીઓને યોગ્ય વળતર સાથે સ્થળાંતર પ્રક્રિયા ઝડપી બનાવવા જેવા મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યો. આ ઉપરાંત, સિંહો કે અન્ય વન્યપ્રાણીઓ દ્વારા થતા નુકસાનનું વળતર તાત્કાલિક ચૂકવવા, ફિલ્ડ સ્ટાફ માટે પોરબંદર ખાતે ટ્રાન્ઝિટ હોસ્ટેલ બનાવવાની દરખાસ્ત કરવા અને સૌરાષ્ટ્ર ઝોનમાં વન કર્મચારીઓ માટે ટ્રેનિંગ સેન્ટર સ્થાપવાની જરૂરિયાત પર પણ ચર્ચા થઈ. પોરબંદર ડિવિઝનમાં કુતિયાણા રેન્જનો સમાવેશ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી. નિવૃત્ત મદદનીશ વન સંરક્ષક શ્રી પરમાત્માનંદજી (પરબતજી ઓડેદરા) અને નિવૃત્ત ફોરેસ્ટ અધિકારી જી. બી. ગોઢાણીયા દ્વારા સભ્યોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે સિંહ સંરક્ષણમાં સ્થાનિક સમુદાયની ભાગીદારી અનિવાર્ય હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. સોસાયટી દ્વારા આ તમામ મુદ્દાઓ અંગે માનનીય વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાને રજૂઆત કરવાનું નક્કી કરાયું છે. સાથે જ, જનજાગૃતિ કાર્યક્રમો, વર્કશોપ્સ અને યુવાઓને સંરક્ષણ પ્રવૃત્તિઓમાં જોડવા માટે ખાસ આયોજન કરવામાં આવશે. બેઠકનો અંત સર્વાનુમતે પસાર કરાયેલા ઠરાવ અને ભોજન સાથે કરવામાં આવ્યો હતો.

Read more at source

← Back to Home