મનીષ કુકરી ગેંગના મિતેશ ગાબાણીના ચાર માળનું દબાણ તોડાયું:સુરતમાં ગુજસીટોક આરોપીના ગેરકાયદેસર બાંધકામ પર કાર્યવાહી, સોસાયટીના જાહેર રોડ પર જ દબાણ કર્યું હતું
સરથાણા પોલીસે આજે સુરત મહાનગરપાલિકા સાથે મળીને એક મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં કુખ્યાત મનીષ કુકરી ગેંગ સાથે સંકળાયેલા અને ગુજસીટોક હેઠળ આરોપી મિતેશ ગાબાણીના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. આરોપીએ સોસાયટીના જાહેર રસ્તા પર દબાણ કરીને ઊભું કરેલું ચાર માળનું ગેરકાયદેસર માળખું આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીનદોસ્ત કરી દેવાયું હતું, જેનાથી માથાભારે તત્વોમાં ફફડાટ ફેલાયો છે. મનીષ કુકરી ગેંગના મિતેશ ગાબાણીના ચાર માળનું દબાણ તોડાયું
40 વર્ષીય આરોપી મિતેશ ગાબાણી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે મનીષ કુકરી ગેંગમાં એક સક્રિય ભૂમિકા ભજવે છે અને તેના પર 10 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂન, ખૂનની કોશિશ અને મારામારી સહિતના કેસોનો સમાવેશ થાય છે. તેની માથાભારે પ્રવૃત્તિઓને કારણે અગાઉ તેની સામે પાસા હેઠળની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. આટલો ગંભીર રેકોર્ડ હોવા છતાં, તે એક તરફ પાર્ટી પ્લોટ મેનેજમેન્ટનો ધંધો ચલાવતો હતો અને બીજી તરફ ગેરકાયદેસર બાંધકામ કરીને કાયદાની ઐસીતૈસી કરતો હતો. સોસાયટીના જાહેર રસ્તા પર ગેરકાયદેસર કબજો
મિતેશ ગાબાણીએ જે બાંધકામ કર્યું હતું, તેની વિગતો ચોંકાવનારી છે. તેનું ઘર સોસાયટીના છેડે આવેલું હોવાથી, તેણે પોતાની સોસાયટીમાં જ જાહેર રોડનો અડધો ભાગ ગેરકાયદેસર રીતે કવર કરી લીધો હતો અને તેના પર ચાર માળનું બાંધકામ ઊભું કરી દીધું હતું. આ દબાણ પર તેણે દાદર અને બાલ્કની બનાવી હતી, જેનો ઉપયોગ તે પોતાના ઘરમાં જવા માટે કરતો હતો. એટલું જ નહીં, ચોથા માળ પર પણ તેણે એક ગેરકાયદેસર મકાન બનાવ્યું હતું, જે સ્પષ્ટપણે જમીનના નિયમોનું ઉલ્લંઘન હતું. પોલીસ અને પાલિકાએ તેના આ ગેરકાયદેસર બાંધકામ પર હથોડા ઝીંકીને કડક સંદેશ આપ્યો છે. નોટિસ છતાં બેદરકારી, પોલીસે બંદોબસ્ત સાથે ડિમોલિશન
આ સમગ્ર મામલે ડીસીપી આલોક કુમારએ જણાવ્યું હતું કે, ગુંડા તત્વો સામેની ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી થઈ છે. તેમણે સ્પષ્ટતા કરી કે, એસએમસીની ટીમે યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કરીને બે મહિના પહેલા આરોપીને નોટિસ આપી હતી અને ગેરકાયદેસર બાંધકામ ખાલી કરવા માટે જણાવ્યું હતું. પરંતુ આરોપી દ્વારા આ નોટિસ પર કોઈ કાર્યવાહી ન થતાં, આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે SMCની ટીમને ડિમોલિશન માટે સાથે રાખીને આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.
