મોરબીના સાહિલને યુક્રેનથી પાછો લાવવા દિલ્હી HCમાં અરજી:કોર્ટે કહ્યું- માતા સાથે છોકરાની વાત કરાવો, આજની તારીખે એ યુવાન ક્યાં? કેન્દ્ર સરકાર જવાબ ન આપી શકી
યુક્રેનમાં સરેન્ડર કરનારા મોરબીના યુવાન સાહિલ માજોઠીનો કેસ હવે દિલ્હી હાઇકોર્ટના દ્વારે પહોંચ્યો. સાહિલના પરિવારે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. હાઇકોર્ટે આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને 4 અઠવાડિયામાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે સાહિલ આજની તારીખે ક્યાં છે? જેનો જવાબ સરકાર આપી ન શકી. હાઇકોર્ટે કેન્દ્રને એક અધિકારીની નિયુક્તિ કરવાનો આદેશ આપ્યો અને કહ્યું છે કે આ અધિકારી યુક્રેન સરકાર અને ભારતીય દૂતાવાસ સાથે વાત કરે. હાઇકોર્ટે સાહિલની વાત તેની માતા સાથે કરાવવામાં આવે તેવું પણ કહ્યું છે. આ મામલે વધુ સુનાવણી 3 ડિસેમ્બરે થશે. સાહિલ દિલ્હી થઇને ગયો હોવાથી દિલ્હી હાઇકોર્ટમાં આ કેસ દાખલ કરાયો હોવાનું તેના વકીલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું. શું હતો મામલો?
રશિયા તરફથી લડી રહેલા 22 વર્ષીય ભારતીય યુવાન સાહિલ મોહમ્મદ હુસૈન માજોઠીએ યુક્રેન સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ગુજરાતના મોરબીનો રહેવાસી સાહિલ માજોઠી અભ્યાસ માટે રશિયા ગયો હતો. કિવ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, યુક્રેનની 63મી મિકેનાઇઝ્ડ બ્રિગેડે એક વીડિયો બહાર પાડ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે સાહિલને ડ્રગના ગુના માટે 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેને જેલની સજા ટાળવા માટે રશિયન સેનામાં જોડાવાની ઓફર મળી હતી. સાહિલે વીડિયોમાં કહ્યું કે તે જેલમાં જવા માગતો ન હતો તેથી તેણે રશિયન સેના સાથે કરાર કર્યો. તેને ફક્ત 16 દિવસની તાલીમ મળી અને 1 ઓક્ટોબરના રોજ તેને પહેલીવાર યુદ્ધમાં મોકલવામાં આવ્યો. ત્રણ દિવસ પછી તેના કમાન્ડર સાથેની લડાઈ પછી તેણે યુક્રેનિયન સેના સામે સરેન્ડર કર્યું. વિદ્યાર્થીએ કહ્યું, “મેં મારાં હથિયારો મૂકી દીધાં છે, ‘મારે લડવું નથી, મને મદદની જરૂર છે.'” તેણે આ બધું રશિયન ભાષામાં કહ્યું. સાહિલે કહ્યું હતું હું રશિયા પાછો જવા નથી માંગતો
સાહિલ માજોઠીએ કહ્યું કે તે રશિયા પાછા ફરવા માગતો નથી. તેણે એમ પણ કહ્યું કે તેને સેનામાં જોડાવા માટે પૈસાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ તેને કંઈ મળ્યું નહીં. યુક્રેને રશિયા માટે લડતા અસંખ્ય વિદેશી સૈનિકોને બંદી બનાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ ભારત જેવા દેશોના લોકોને નોકરી કે શિક્ષણનાં વચન આપીને સેનામાં ભરતી કર્યા હતા. આ પણ વાંચો
‘રશિયન સાથે લગ્ન, સરકારી નોકરી, જેલની અડધી સજા માફ’:યુક્રેન સામે યુદ્ધ લડવા મોરબીના સાહિલને ઓફરો મળી ગુમ થયેલા મનોજનો બંકરમાંથી છેલ્લો વીડિયો
