Gujarati News

મહેસાણા એસ.ટી.ડિવિઝનને દિવાળી ફળી:14 દિવસમાં એક્સ્ટ્રા 1009 ટ્રીપ દોડાવી 66.48 લાખની આવક મેળવી; 49,209 મુસાફરોને માદરે વતન પહોંચાડ્યા

Published: November 3, 2025 • Language: English

મહેસાણા જિલ્લામાં વસતાં શ્રમિક પરિવારોને દિવાળીના તહેવારો માણવા તેમના માદરે વતન જવા માટે સ્થાનિક એસ.ટી.વિભાગ દ્વારા દિવાળી વેકેશનમાં 14 દિવસ એક્સ્ટ્રા બસોની 1009 ટ્રીપ દોડાવાઈ હતી. એકસ્ટ્રા બસો મારફતે આશરે 2.16 લાખ કિમી અંતર કાપીને કુલ 49,209 મુસાફરોને તેમના માદરે વતન પહોંચાડવામાં આવ્યાં હતા. જેના પરિણામે વધારાની બસોના સંચાલનથી વિભાગને કુલ રૂ.66.48 લાખની તોતિંગ આવક થઈ હતી. એટલે કે, આ વર્ષે મહેસાણા એસ.ટી.ડિવિઝનને દિવાળી ફળી હતી. ગત વર્ષની દિવાળીમાં કુલ આવક 56.19 લાખ થઈ હતી. જ્યારે આ વર્ષે દિવાળી વેકેશનમાં રૂ. 19 લાખનો વધારો નોંધાયો દિવાળીમાં મહેસાણા એસ.ટી.વિભાગે એક્સ્ટ્રા બસો દોડાવી હતી
મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકા મથકોમાં રોજીરોટી મેળવવા માટે રાજ્યના પંચમહાલ, મહીસાગર, સુરત, અમદાવાદ વગેરે જિલ્લામાં રહેતાં શ્રમિક વર્ગના લોકો આવીને વસતા હોય છે. આ શ્રમજીવી પરિવારો હોળી-ધૂળેટી, દિવાળી વગેરે તહેવારો મનાવવા માટે પોતાના માદરે વતન જતાં હોય છે. જેમને બસ સુવિધા પુરી પાડવા માટે મહેસાણા એસ.ટી.વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. દરમિયાનમાં મહેસાણા જિલ્લામાં રહેતાં અને રોજગારી રળવા આવેલાં શ્રમિક પરિવારો આ વર્ષે દિવાળીના તહેવારો મનાવવા પોતાના વતનમાં જઈ શકે તે માટે મહેસાણા એસ.ટી.ડિવિઝન દ્વારા દર વર્ષની જેમ ગત 16થી 29 ઓક્ટોબર 2025 સુધી વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. ઝાલોદ, દાહોદ, લુણાવાડા, અમદાવાદ, ફતેપુરા, સુરત તરફના રૂટ પર વધારાની બસો દોડાવાઈ
જેમાં સ્થાનિક એસ.ટી.ડિવિઝનના 12 ડેપો દ્વારા ઝાલોદ, દાહોદ, લુણાવાડા, અમદાવાદ, ફતેપુરા, સુરત તરફના રૂટ ઉપર વધારાની બસો દોડાવાઈ હતી. દિવાળી વેકેશનમાં વધારાની બસો મારફતે 1009 ટ્રીપ્સનું સંચાલન કરીને કુલ 46,206 મુસાફરોને તેમના મુકામે પહોંચાડવામાં આવ્યાં હતા. જે પ્રવાસીઓના પરિવહનથી મહેસાણા વિભાગને કુલ રૂ.66,48,388ની આવક થવા પામી હોવાનું ડીટીઓ યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું. દિવાળી વેકેશનમાં એસ.ટી.ની બસોએ કુલ 2,16,797 કિમી અંતર કાપ્યું હતું. વિજાપુર ડેપોમાંથી 33 ટ્રીપથી 1860 પેસેન્જર્સની અવરજવર
મહેસાણા વિભાગમાં આ વર્ષે વિજાપુર ડેપોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિજાપુર ડેપો ખાતેથી 33 ટ્રીપ દ્વારા 1860 પેસેન્જર્સની હેરાફેરી કરવામાં આવતાં ડેપોની આવક રૂ.4,46,440ની આવક નોંધાઈ હતી. જ્યારે ખેરાલુ ડેપો ખાતેથી સૌથી વધુ 220 ટ્રીપ્સનું સંચાલન કરી કુલ 12,287 મુસાફરોનું પરિવહન કરવામાં આવતાં રૂ.9,02,955 નોંધાઈ હતી. જ્યારે સૌથી ઓછી બેચરાજી ડેપો ખાતેથી 22 ટ્રીપના સંચાલનમાં 1252 પ્રવાસીઓનું પરિવહન કરાતાં કુલ રૂ. 1,35,282ની આવક થવા પામી હતી.

Read more at source

← Back to Home