ભુજના ખાવડામાં યુવકો પર અમાનુષી અત્યાચાર:વાયરલ વીડિયો બાદ 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ
ભુજ તાલુકાના સરહદી ખાવડા પંથકના એક ગામના સીમ વિસ્તારમાં બે યુવકો પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ ‘રોમિયોગીરી’ની શંકા રાખી યુવકોના માથાનું મુંડન કરી, અર્ધ મૂછો કાપી અને નિર્દયતાથી માર માર્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યા હતા. આ મામલે ખાવડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ચાર ઈસમો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ઘટનામાં સામેલ અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. આ ઘટના ગત માસની ૩૧મી તારીખે બપોરે 4 વાગ્યાના અરસામાં બની હતી. ખાવડા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ભોગ બનનાર બે ભાઈ સીમ વિસ્તારમાં પોતાની ગુમ થયેલી ગાયની શોધમાં નીકળ્યા હતા. તે સમયે ગામના નૂરમામદ જૂણસ સમાં, હનીફ જાકબ સમાં, રફીક સિદ્ધિક સમાં અને ભિલાલ સુલેમાન સમાં તથા અન્ય અજાણ્યા લોકોના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. પોલીસે આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી મુખ્ય ચાર આરોપીઓ સાથે સંડોવાયેલા અન્ય ઇસમોના નામ મેળવવા તપાસ શરૂ કરી છે. બનાવને અંજામ આપનાર આરોપીઓના સઘડ મેળવવા પણ કાર્યવાહી ચાલી રહી છે. આ કેસની વધુ તપાસ મહિલા એએસઆઈ રવીબેન દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, 31 ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનાના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે શંકાના દાયરામાં આવેલા યુવકોને માથાનું મુંડન કરી, અડધી મૂછો કાપી અને ઢોરમાર મારવામાં આવ્યો હતો. બીજા વીડિયોમાં યુવકોને નગ્ન કરી જમીન પર ઊંધા સુવડાવી ગુદા માર્ગે લાલ મરચાનો પાવડર પણ છાંટવામાં આવ્યો હતો. આ અત્યાચાર ગામની છોકરીઓની છેડતી કરવાની શંકા રાખીને કરવામાં આવ્યો હતો.
