વીવિંગ ઉદ્યોગમાં શાંતિ-સુરક્ષાનો માહોલ જાળવવા બેઠક:સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં ધમકીભર્યા પોસ્ટરો અને CCTVમાં કેદ થયેલા અસમાજિક તત્ત્વો બાદ પોલીસનું સઘન પેટ્રોલિંગ
સુરતના ગ્રામ્ય વિસ્તારના સાયણ અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અમુક અસામાજિક તત્ત્વો દ્વારા ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટરો લગાડવાના બનાવ બાદ સુરત શહેર પોલીસ તુરંત જ સક્રિય બની છે. આ ઘટનાના પગલે સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસે સઘન પેટ્રોલિંગની શરૂઆત કરી
સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં ધમકીભર્યા પોસ્ટરો અને CCTV કેમેરામાં કેદ થયેલા અસમાજિક તત્ત્વો બાદ પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂઆત થઈ ગઈ છે. સુરતના વીવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં દિવાળીના તહેવારોની સમાપ્તિ થતાં જ અસામાજિક તત્ત્વોએ ફરી માથું ઊંચક્યું છે. અગાઉ, સાયણની રાધે, ભૂમિ અને એસ.એન. ઇન્ડસ્ટ્રીઝમાં કારીગરોને ધમકાવવાના પ્રયાસો થયા હતા, અને હવે પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની બંસરી ઇન્ડસ્ટ્રીને નિશાન બનાવવામાં આવી છે. રાત્રિના સમયે લગભગ પાંચ જેટલા ઇસમો મોઢા પર કાપડ બાંધીને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પર પહોંચ્યા હતા. આ તત્વોએ કારીગરોને સંબોધીને ઉડિયા ભાષામાં લખેલા ધમકીભર્યા પોસ્ટરો લગાવ્યા હતા, જેના કારણે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. આ પ્રકારના કૃત્યોનો હેતુ કામકાજમાં અડચણ ઊભી કરવાનો અને ભય ફેલાવવાનો હોવાનું માનવામાં આવે છે. પોલીસ તંત્ર સજ્જ: ઝોન-5 ડીસીપી દ્વારા બેઠક
સમગ્ર પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત પોલીસ દ્વારા તુરંત પગલાં લેવામાં આવ્યા છે. આજે ઝોન-5 નાયબ પોલીસ કમિશનર રણવીર સિંહ ઝાલાએ અંજની ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ઇન્ડસ્ટ્રીઝમાં રાબેતા મુજબ કામકાજ શરૂ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. ડીસીપી ઝાલાએ ઉદ્યોગના આગેવાનોને શાંતિ જાળવવા અને પોલીસ પર વિશ્વાસ રાખવા અપીલ કરી હતી. બેઠકમાં હાજર રહેલા આગેવાનો દ્વારા સતત પોલીસ પેટ્રોલિંગ શરૂ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જેને પોલીસે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ બેઠકમાં એસીપી અને અમરોલીના પોલીસ ઇન્સ્પેક્ટર પણ હાજર રહ્યા હતા. અધિકારીઓએ ઉદ્યોગપતિઓને ભૂતકાળમાં હડતાળ અને અસામાજિક પ્રવૃત્તિઓ અંગેના અનુભવોની માહિતી આપી હતી અને વર્તમાન પરિસ્થિતિને અંકુશમાં રાખવા માટે પોલીસની વ્યૂહરચના સમજાવી હતી. વિશ્વાસનું વાતાવરણ જાળવવા સતત પ્રયાસ
સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો ઔદ્યોગિક વિસ્તારોમાં દિવસ-રાત પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરી કરી રહી છે. ખાસ કરીને શ્રમિકોની સુરક્ષા અને વિશ્વાસનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ બતાવવામાં આવી છે. પોસ્ટરો લગાવનાર અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. પોલીસના આ ચુસ્ત બંદોબસ્ત અને સતત પેટ્રોલિંગના કારણે ઉદ્યોગપતિઓ અને કારીગરોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે. સુરતનું ઔદ્યોગિક ચક્ર કોઈપણ અવરોધ વગર ચાલતું રહે તે માટે પોલીસ દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
